અમદાવાદ (Ahmedabad) ના વટવા જી.આઇ.ડી.સી વિસ્તારમાં સંબંધોને શર્મશાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. એક પિતા (Father) એ તેના સાવકા પુત્ર (Son) ને મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે દીપક અહિરે નામના વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપી દીપક આહિરેએ પોતાની પત્નીને પહેલા પતિ દ્વારા જન્મેલા સાવકા દીકરાને મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે. પત્ની હોસ્પિટલ ગઈ હતી ત્યારે બપોરના સુમારે સાવકો પુત્ર સ્કુલેથી ઘરે આવતાં દીપકે તેને ગાળો આપી મારી નાખવાની કોશિશ કરી હતી. દીપકે સાવકા પુત્રને પાણીની ટાંકીમાં નાખીને ડુબાડી તેવાનો પ્રયાસ કર્યો હતો પણ સદનસિબે બાળક બચી ગયો હતો.
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે વિનોબાભાવે નગરમાં રહેતા સંગીતાબેન આહીરેનાં પહેલા લગ્ન મહારાષ્ટ્રમાં વાલ્મીકી આહીરે નામનાં યુવક સાથે થયા હતા. જે લગ્ન જીવન દરમિયાન તેને એક દીકરી અને એક દીકરો જન્મયાં હતાં. જોકે મનમેળ ન થતા તેમણે પતિ સાથે છૂટાછેડા લીધા હતા, તે બાદ તેણે દીપક આહીરે સાથે લગ્ન કર્યા હતા. જોકે દીપક આહીરેને પત્નિનાં પૂર્વ પતિના બાળકોની ઈર્ષા હોવાથી અવારનવાર તે તેની સાથે મારામારી કરતો હતો. જોકે તેણે 16 જૂને હેવાનીયતની તમામ હદો વટાવી દિધી હતી.
16મી જૂને ફરિયાદી સંગીતાબેન દીકરીને લઈને પોતાની સારવાર કરાવવા માટે હોસ્પિટલ ગયા હતા. સવારે દીકરો સ્કૂલેથી આવતા સાવકા પિતા દીપક આહીરેએ તારી મા ક્યાં ગઈ છે, તેવુ પુછતા તેણે પોતાને જાણ ન હોવાનું જણાવ્યું હતું. જે બાદ આરોપી પિતાએ ગુસ્સે થઈને ગાળો બોલી ઘરની પાણીની ટાંકીનું ઢાંકણુ ખોલીને 11 વર્ષીય પુત્રને ગળાથી પકડી ઉંચો કરી પાણીની ટાંકીમાં ડુબાડી ટાંકીનું ઢાંકણુ બંધ કરી તને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બાળકની સજાગતાનાં કારણે તે ભાગી છુટવામાં સફળ રહ્યો હતો. આ મામલે માતાને જાણ થતા તેણે પોતાના પતિ સામે વટવા જીઆઈડીસી પોલીસ મથકે હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધાવ્યો છે.
આ મામલે પોલીસે ગુનો નોંધી ત્વરીત આરોપી પિતાની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં આરોપી દીપક નશાની ટેવ ધરાવતો હોવાનું અને કોઈ કામધંધો ન કરતો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલહવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published On - 10:09 pm, Sat, 18 June 22