અમદાવાદ (Ahmedabad) માં રવિવારની રાત્રે પડેલા ભારે વરસાદે (Rain) મોટા પ્રમાણમાં તારાજી (Desolation) સર્જી છે. રાત્રીના સમયે મોટા ભાગના રસ્તા પાણીમાં ગરકાવ થયા હોવાના દૃશ્યો સામે આવ્યાં હતાં પણ વાસ્તવિક સ્થિતિ સવારે જોવા મળી છે. નીચાણવાળા અનેક વિસ્તારોમાં ઘરમાં પાણી ભરાઈ જવાથી લોકોની ઘરવખરી પલળી ગઈ છે. અનેક સોસાયટીઓમાં સવારે પણ પાણી ભરાયેલાં છે. તો ઠેર ઠેર રસ્તા ઘોવાઈ ગયા છે. મોડી રાત્રે ઘરે જવા નીકળેલા અસંખ્ય લોકોના વાહનો રસ્તામાં જ બંધ પડી જતાં મહા મુસિબતે ઘરે પહોંચ્યાં હતાં. સવારે પણ અનેક રસ્તા પાણીમાં ગરકાવ છે. ઠેર ઠેર વૃક્ષો પડી જતાં રસ્તા બંધ થઈ ગયા છે. એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવાથી વાહનો ડૂબી ગયાં છે.
ભારે વરસાદ અને પવનથી બોડકદેવ અને ઇસનપુરમાં ઝાડ પડવાની ઘટના બની છે. જેને દૂર કરવા માટે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. નારણપુરા વિસ્તારમાં આવેલા ડી. કે પટેલ હોલની પાછળ રંગમિલન સોસાયટીમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ છે. થલતેજમાં લવકુશ ટાવર પાસે વિહારધામ એપાટૅમેન્ટમાં કેટલાક ઘરોમાં ગટરનું પાણી ફરી વળ્યું હતું. દાણીલીમડા પંચવટી વિસ્તારની તમામ સોસાયટીઓમાં ઘરમાં કમર સુઘી વરસાદનું પાણી ભરાઈ ગયાં છે. પ્રહલાદનગર વિસ્તારમાં વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે પાર્કિંગમાં ઊભેલી અનેક કાર આખેઆખી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.
પ્રહલાદનગર રોડ ઉપર એક પરિવારે આખી રાત રસ્તા પર કારમાં વિતાવવી પડી હતી. વેજલપુર વિસ્તારમાં રહેતા મુકુંદભાઈ તેમની પત્ની અને બે બાળકીઓ સાથે રાત્રે 10 વાગ્યાથી હજી પણ પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યા છે. રાત્રે ૩ વાગે ફરીથી વરસાદ પડતા પાણી વધુ ભરાયાં હતાં. રાત્રે ખાધા પીધા સિવાય આખી રાત પરિવારે રસ્તા ઉપર જ વિતાવી હતી. વરસાદી પાણી ભરાવવાને કારણે પ્રહલાદ નગર રોડ બંધ છે. મોડી રાત્રે પડેલા વરસાદ બાદ પ્રહલાદનગર રોડ પર પાણી ફરી વળતાં રસ્તો બંધ છે. રસ્તા પર બહારથી આવેલા લોકો અને પોતાના કામ માટે જવા નીકળેલા લોકો પણ અટવાયાં છે. વહેલી સવારે નોકરી ધંધા માટે ઘરેથી નીકળેલા લોકો રસ્તા પર ભરાયેલાં પાણી કારમે અટવાી ગયાં હતાં.
Published On - 8:38 am, Mon, 11 July 22