અમદાવાદમાં કોરોનાની આફત વધી: 15 કેસ માત્ર પાંચ પરિવારના, જાણો કયા ઝોનમાં કેટલા કેસ?

|

Dec 08, 2021 | 10:18 AM

Ahmedabad: શહેરમાં હાલ કોરોનાના 108 એક્ટિવ કેસ છે. જેમાંથી 67 કેસ તો પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં છે.

Corona Case in Ahmedabad: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. એક દિવસમાં નવા 25 કેસ નોંધાયા છે. 19 દિવસ બાદ આટલા વધુ કેસ આવ્યા છે. અગાઉ 17 નવેમ્બરે 28 કેસ નોંધાયા હતા. મંગળવારે આવેલા કેસમાંથી 15 કેસ તો માત્ર પાંચ પરિવારના છે. એસવીપીમાં એક દર્દી તેમજ ખાનગી હોસ્પિટલમાં 5 દર્દી સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

શહેરમાં હાલ કોરોનાના 108 એક્ટિવ કેસ છે. જેમાંથી 67 કેસ તો પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં છે. કોરોનાની બીજી લહેરમાં પણ સૌથી વધારે કેસ પશ્ચિમ અમદાવાદમાં નોંધાયા હતા. સૌથી વધારે એક્ટિવ કેસ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ખાસ કરીને બોપલમાં હોવાનું જાણવા મળ્યું છે. તે પછી ઉત્તર પશ્ચિમ ઝોનમાં 2 કેસ છે. પોઝિટિવ આવેલામાંથી કેટલાક લોકો રાજસ્થાન સહિત અન્ય વિસ્તારમાં જઇને આવ્યા હોવાની હિસ્ટ્રી જોવા મળી છે.

તો આ તરફ નરોડાનો એક યુવક વિદેશથી પોતાની સગાઈ માટે આવ્યો હતો, પરંતુ તેણે ક્વોરન્ટાઇન રહેવાનું હોવાથી સગાઈ થઈ શકી ન હતી. તેણે કોર્પોરેશનમાં ફોન કરીને સગાઈ માટે મંજૂરી માગી હતી. પરંતુ તેણે ક્વોરન્ટાઇન રહેવું પડશે તેમ જણાવતાં સગાઈનું આયોજન રદ કરવું પડ્યું હતું.

તો બીજીતરફ આરોગ્ય વિભાગ હવે વિવિધ પાર્ટીપ્લોટમાં યોજાતા લગ્ન પ્રસંગોમાં ચેકિંગ હાથ ધર્યું છે. લગ્ન પ્રસંગોમાં ગાઈડલાઈનનું પાલન થાય છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજપથ ક્લબ, ડી.કે. પટેલ હોલ, કારગીલ ચાર રસ્તા પાસે આવેલા આર્યગ્રાન્ડ સહિતના કેટલાક પ્લોટમાં AMCએ તપાસ હાથ ધરી હતી.

400 મહેમાનોની હાજરી, સોશિયલ ડિસ્ટન્સ, વેક્સિન લીધી છે કે કેમ? તેની તપાસ કરવામાં આવી હતી. જો કોઇ મહેમાને વેક્સિન ન લીધી હોય તો તેને તાત્કાલિક વેક્સિન આપવામાં આવી હતી.

 

આ પણ વાંચો: UK Omicron: બ્રિટનમાં ‘ઓમીક્રોન’ ના 447 કેસ નોંધાયા, વડાપ્રધાન બોરિસ જોન્સને કહ્યું – તે ડેલ્ટા વેરિઅન્ટ કરતા વધુ ખતરનાક

Next Video