Ahmedabad : થેલેસેમિયાગ્રસ્ત બાળકોને સમયસર બ્લડ મળી રહે તેમજ અમદાવાદ શહેરમાં કોરોનાકાળ પછી વર્તાઈ રહેલી અછતને પહોંચી વળવા એક આયોજન કરાયું. જે અન્વયે અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રામોલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ બ્લડ ડોનેટ કર્યું હતું. ન માત્ર પોલીસકર્મીઓ જ પણ એક સમયે PSI પર હુમલો કરનાર આરોપીઓએ પણ થેલેસેમિયાગ્રસ્ત બાળકોની મદદ કરી શકાય તે હેતુથી પોલીસ સ્ટેશન આવીને બ્લડ ડોનેટ કર્યું હતું.
એક સમયે કુખ્યાત આરોપી તરીકેની ઓળખ ધરાવતા અજીત વાઘેલા અને અક્ષય ભુરિયો આ બંને આરોપીઓ સામે ભૂતકાળમાં 20થી વધુ ગુનાઓ નોંધાઇ ચુક્યા છે. જોકે છેલ્લા કેટલાય સમયથી આ બંને આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિ છોડી દીધી છે. જેને કારણે રામોલ પોલીસ સ્ટેશનના PI કે.એસ દવે તેમજ PI આર.કે દવે દ્વારા આ બંને આરોપીઓને રામોલ પોલીસ સ્ટેશનમાં યોજાઈ રહેલા બ્લડ ડોનેશન કેમ્પ વિશે જાણ કરી હતી. અને પોતાની ગુનાહિત પ્રવૃત્તિ છોડીને પ્રશ્ચાતાપના ભાગરૂપે સમાજ પ્રત્યે પોતાનું ઋણ અદા કરવાના ઉમદા હેતુ સાથે રક્તદાન કરી સમાજમાં ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડવા સલાહ આપી હતી.
પોલીસ ઇન્સપેક્ટર તરફથી મળેલી સલાહ પોતાના ભવિષ્ય માટે યોગ્ય હોવાનું માનીને બંને આરોપીઓએ પોલીસ સ્ટેશન પહોંચીને બ્લડ ડોનેટ કર્યું હતું. જોકે એક સમય એવો હતો કે આ બન્ને આરોપીઓને શોધવા માટે રામોલ પોલીસે અલગ અલગ ટુકડીઓ બનાવીને અન્ય રાજ્યમાં મોકલવાની ફરજ પડી હતી. પરંતુ સમયની સાથે આરોપીઓનું વલણ પણ બદલાયું જેને કારણે એક સમયે લોહીની નદીઓ વહેડાવનાર આરોપીઓ આજે થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને મદદરૂપ થવા પોતાનું જ લોહી દાન કરી રહ્યાં છે.
મહત્વનું છે કે કોરોનાકાળ જ્યારથી શરૂ થયો ત્યારથી શહેરમાં ખૂબ ઓછી માત્રામાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા છે. જેને કારણે શહેરની બ્લડ બેંકોમાં લોહીની અછત સર્જાઈ રહી છે. જેને લઈને અનેકવાર શહેરીજનોને બ્લડ ડોનેશન કેમ્પ યોજવા માટે અપીલ કરવામાં આવી છે. કોરોનાકાળ બાદ હવે જ્યારે રાજ્યભરમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે. ત્યારે ફરીથી વિવિધ સામાજિક સંસ્થાઓ આગળ આવીને થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે લોહી ભેગું કરવામાં મદદરુપ થઈ રહ્યા છે.
રામોલ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ.દવે દ્વારા રેડ ક્રોસ સંસ્થા માટે ઓપરેશન મુસ્કાનમાં મદદરૂપ થવા માટે આ કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં રામોલ પોલિસ સ્ટેશનમાં પોલીસકર્મીઓ, અધિકારી, 50થી વધુ આરોપીઓ તેમજ વિસ્તારના સ્થાનિકો દ્વારા મોટા પ્રમાણમાં બ્લડ ડોનેટ કરીને થેલેસેમીયા ગ્રસ્ત નાના ભૂલકાઓના ચહેરા પર મુસ્કાન લાવવાનો પ્રયત્ન કર્યો હતો.
મહત્વનું છે કે રેડ ક્રોસ સંસ્થા દ્વારા 1000 થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને નિયમિત લોહી પૂરું પાડવાની જવાબદારી ઉપાડવામાં આવી છે. જેના ભાગરૂપે અલગ અલગ સ્થળો પર આ રીતે બ્લડ ડોનેશન કેમ્પ યોજીને થેલેસેમિયા ગ્રસ્ત ભૂલકાઓને મદદરૂપ થવાનું પુણ્ય નું કામ રેડ ક્રોસ કરી રહ્યું છે. જેનો ભાગ રામોલ પોલીસ સ્ટેશન પણ બન્યું હતું.
Published On - 1:25 pm, Thu, 26 August 21