
Ahmedabad : જો તમે ગર્ભવતી હોવ તો કોરોનાકાળમાં તમારે વિશેષ ધ્યાન રાખવું પડશે, નહિ તો તમારા બાળકને થઈ શકે છે MIS-N નામની જીવલેણ બીમારી. જોકે ખુશીની વાત એ છે કે ભારતના સૌથી નાની ઉંમરના બાળકમાં જોવા મળેલી આ બીમારી સામે અમદાવાદના બાળકે વિજય મેળવ્યો છે. જેને કારણે તેના માતા-પિતા તેમજ બાળકની સારવાર કરનાર ડોકટર ખુશ છે.
સંભવીત ત્રીજી લહેરમાં નાના બાળકોને અસર થવાની શક્યતાઓ ડોકટર્સ દ્વારા સેવવામાં આવતા માતા-પિતા તેમના બાળકોનું વિશેષ ધ્યાન રાખી રહ્યા છે. પરંતુ આટલાથી સંતોષ નહિ માનવાનો. ગર્ભવતી મહિલાઓએ પણ આ સમયમાં તેમનું અને તેમના ગર્ભમાં વિકસી રહેલા બાળકોનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે ગર્ભવતી મહિલાને જો કોરોના થાય તો તેની સીધી અસર ગર્ભમાં વિકસી રહેલા બાળક પર થાય છે.
આવો જ એક કિસ્સો અમદાવાદમાં પણ બન્યો હતો. જોષનાબેન ગર્ભવતી હતા ત્યારે તેમને કોરોના થયો હતો. જેની અસર તેમના ગર્ભમાં રહેલા બાળક પર થઇ હતી. જેને કારણે 27 અઠવાડિયે જ જોષનાબેનની પ્રિમેચ્યુર ડીલીવરી કરવામાં આવી હતી. તે સમયે બાળકનું વજન 740 ગ્રામ હતું. પરંતુ બીમારીને કારણે બાળકનું વજન ઘટીને 620 ગ્રામ થઈ ગયું હતું. જેના પરથી ડોક્ટરે બાળકની સારવાર શરૂ કરી હતી. હોસ્પિટલમાં 73 દિવસ સુધી સારવાર કર્યા બાદ હવે આ બાળક સ્વસ્થ અને સુરક્ષિત છે અને તેમને રજા આપવામાં આવી છે.
શું છે MIS-N નામની જીવલેણ બીમારી ?
નવજાત શિશુના નિષ્ણાંત ડો.આશિષ પટેલનું માનવું છે કે આ બીમારી અત્યાર સુધી 1 વર્ષથી ઉપરના બાળકોમાં જોવા મળતી હતી. પરંતુ કોરોના પછી આ પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યારે નવજાત શિશુમાં પણ આ બીમારી જોવા મળી રહી છે. બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય છે. ત્યારે જ તેના શરીરના કેટલાક અંગોને નુકસાન થતું હોય છે. જેને કારણે આ બીમારીથી બાળકોને બચાવવા ખૂબ મુશ્કેલ થઈ જાય છે. પરંતુ જોષનાબેનના બાળકમાં આ બીમારી દેખા દેતા અમારી ટીમ દ્વારા આ બાળકની દિવસ-રાત સારવાર કરવામાં આવી હતી. અને આખરે 73 દિવસ બાદ આ બાળકે આ બીમારીને હરાવી છે જેનો શ્રેય અમારી ટીમને જાય છે.
ગર્ભવતી મહિલાને જ્યારે કોરોના થાય છે ત્યારે તેના શરીરમાં ઉતપન્ન થતી એન્ટિબોડી તેમના ગર્ભમાં રહેલા બાળક સુધી પહોંચતી નથી. જેને કારણે આ બીમારી બાળકોને થતી હોય છે. જોકે ભારતમાં આ પહેલો કિસ્સો હતો કે કોરોના પછી આટલી નાની ઉંમરના બાળકમાં આ બીમારી થઈ હતી. જેનું નિદાન કરવામાં અમદાવાદના ડોક્ટરને સફળતા મળી છે અને જોષનાબેનના બાળકને નવી જિંદગી..!!
Published On - 8:53 am, Tue, 31 August 21