સુરતમાં (Surat) કોરોનાના (Corona) પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે, છતાં પણ મહાનગરપાલિકા દ્વારા કોઈ પાછીપાની કરવામાં આવી નથી રહી. શહેરમાં લોકો હવે તકેદારી સાથે મુક્તપણે હરી ફરી શકે છે. પરંતુ કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં વૃદ્ધિ થતી ન હોવાથી તંત્રને રાહત અનુભવાય રહી છે.
દિવાળીના તહેવાર (Diwali 2021) બાદ અપેક્ષા મુજબ કેસોની સંખ્યામાં થોડો વધારો થઈ શકે છે. રાજ્ય બહાર ફરીને પરત આવનાર શહેરીજનો માટે મનપા તંત્ર દ્વારા ચેકપોસ્ટ પર જ ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
છેલ્લા ઓક્ટોબર મહિનામાં 2,40,000 કોરોના ટેસ્ટ કર્યા હતા, જે પૈકી માત્ર 125 જ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. પોઝિટિવિટી દર હવે સુરતમાં 0.05 ટકા જેટલો છે. જ્યારે નવેમ્બર મહિનામાં અત્યાર સુધી 32,102 ટેસ્ટ પૈકી 20 જેટલા જ પોઝિટિક કેસ સામે આવ્યા છે. દિવાળીની રજાઓના કારણે ટેસ્ટિંગની કામગીરી ધીમી પડી હતી, પણ હવે ફરીથી તેને વેગ આપવામાં આવ્યો છે. ગઈકાલે પણ 1500 જેટલા ટેસ્ટ ચેક પોસ્ટ પર કરવામાં આવ્યા હતા, જેમાં એકપણ પોઝિટિવ કેસ ન મળતા તંત્રને રાહત થઇ છે.
જોકે ટેસ્ટિંગ વધ્યું છે તો તેની સામે વેકસીનેશનમાં ઘટાડો નોંધાયો છે. બીજા ડોઝ માટે એલિજેબલ લોકોની સંખ્યા સતત વધી રહી છે. ઘરઆંગણે અપાતી સેવાને પણ નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. હાલ શહેરમાં 6.92 લાખ લોકો સેકન્ડ ડોઝ માટે એલિજેબલ છે. ઘણા ખરા લાભાર્થીઓ બહારગામ પણ ગયા હોવાથી વેકસીનેશન કામગીરી મંદ પડી છે.
પાલિકાએ ટોલ ફ્રી નંબર આપ્યો છે, જેમાં કોઈ સોસાયટી કે મહોલ્લામાં 10 કે તેથી વધુ લાભાર્થીઓ હોય તો તેઓ ટોલ ફ્રી નંબર 1800 123 8000 પર કોલ કરીને વેકસીનેશન લઈ શકે છે. જોકે પાલિકાની આ કામગીરીને પણ દિવાળીની રજાઓને લીધે સારો પ્રતિસાદ નથી સાંપડી રહ્યો. રોજના એકલ દોકલ જ કોલ મળી રહ્યા છે.
ત્રણ મહિના પછી મ્યુકર માઇકોસીસના કારણે એક દર્દીનું મોત નીપજ્યું છે. કોરોનાના કેસોમાં દિવાળી પછી કેસોમાં વધારો થવાની પૂરેપૂરી સંભાવના હોય મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને બે અઠવાડિયા સુધી સતર્ક રહેવા પણ અપીલ કરવામાં આવી છે. જેથી શહેર કે રાજય બહારના લોકો જો સુરતમાં આવે તો કોરોના સંક્રમણ ફરી ન વધે.
આ પણ વાંચો: દ્વારકા પોલીસે પકડ્યું અધધધ કરોડની કિંમતનું ડ્રગ્સ, સમુદ્રના રસ્તે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર
Published On - 12:22 pm, Wed, 10 November 21