cyclone tauktae : તાઉ તે વાવાઝોડાથી બંધ થયેલા 1200માંથી 1100 રોડ શરૂ કરી દેવાયા, 20મી મેથી વેક્સિનેશન શરૂ

|

May 19, 2021 | 9:55 PM

cyclone tauktae : તાઉ તે વાવાઝોડા અને કેન્દ્ર સરકારે વેક્સિનના સમયગાળામાં કરેલા ફેરફારને કારણે સ્થગિત કરાયેલ વેક્સિનેશન આવતીકાલ 20મી મેથી પુનઃ શરુ કરાશે.

સ્થળાંતર કરાયેલાઓને 20મી મેથી કેશડોલ્સ ચૂકવાશે. અસરગ્રસ્ત 219 સબસ્ટેશન પૈકી 152 સબસ્ટેશન પુન: ચાલુ કરાયા,  પડી ગયેલા 2100માંથી 1500 મોબાઈલ ટાવર ઊભા કરી દેવાયા

ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાથી થયેલા નુકસાન અંગે તાત્કાલિક રૂ. 1000 કરોડની સહાય જાહેર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, તાઉ તે વાવાઝોડુ 28 કલાક સુધી ગુજરાતને ધમરોળતુ રહ્યું હતું. વાવાઝોડાને કારણે ગુજરાતના વિવિધ જિલ્લામાં કુલ 1200 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા હતા જે પૈકી 1100 રસ્તાઓ શરૂ કરી દેવાયા છે. જ્યારે બાકીના રસ્તાઓ આવતીકાલ સાંજ સુધીમાં ચાલુ કરી દેવાશે.

તાઉ તે એ 28 કલાક સુધી ગુજરાતને ધમરોળ્યુ 
તાઉ તે વાવાઝોડુ સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાતને 28 કલાક ધમરોળતુ રહ્યું હોવાનુ જણાવીને મુખ્ય પ્રધાને કહ્યું કે, ગીર સોમાનાથ જિલ્લાના ઊના પાસેથી 17મી મેના રાત્રીના સાડા આઠ વાગે ગુજરાતમાં પ્રવેશ્યુ ત્યારે, તાઉ તે વાવાઝોડાથી ફુકાતા પવનની ઝડપ 175 કિ.મી. પ્રતિ કલાકની હતી. ત્યાર બાદ તાઉ તે વાવાઝોડુ ગુજરાતના વિવિધ જિલ્લા અને તાલુકાઓમાં 28 કલાક સુધી તબાહી મચાવતુ બનાસકાંઠાની સરહદથી ગુજરાત બહાર નબળુ પડીને પસાર થયુ.

મોબાઈલ નેટવર્કને અસર
તાઉ તે વાવાઝોડાથી, ગુજરાતમાં વિવિધ મોબાઈલ કંપનીઓના 2100 જેટલા ક્રીટીકલ મોબાઇલ ટાવર ક્ષતિગ્રસ્ત થયા હતા. જેમાંથી 1500 જેટલા મોબાઇલ ટાવર ચાલુ કરી દઈને મોબાઈલ નેટવર્ક શરૂ કરી દેવાયુ છે. જ્યારે બાકીના ધ્વસ્ત થયેલા મોબાઈલ ટાવર ચાલુ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

વીજ ક્ષેત્રે નુકસાન
વાવાઝોડાના કારણે 66 કિલોવોટની ક્ષમતાના 219 સબસ્ટેશન અસરગ્રસ્ત પામ્યા હતા તે પૈકી 152 સબસ્ટેશન પુન:ચાલુ કરાયા છે. બાકીના સબસ્ટેશન પણ ચાલુ કરી દેવા માટે વીજ કંપનીના કર્મચારીઓ રાત દિવસ એક કરી રહ્યાં હોવાનું વિજય રૂપાણીએ જણાવ્યુ હતું.

કેશડોલ્સની ચૂકવણી
આજે ગુજરાત સરકારની કોર કમિટિમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, આવતીકાલ 20મી મે ગુરૂવારથી જ તાઉ તે વાવાઝોડાને કારણે જેમને સ્થળાંતર કરાવવું પડ્યુ હતું તેવી વ્યક્તિઓને કેશડોલ આપવાનું પણ શરૂ કરવામા આવશે. સ્થળાતરીત થયેવા અસરગ્ર્સ્ત વિસ્તારના પુખ્તવયની વ્યક્તિને રોજના 100 લેખે સાત દિવસના 700 ચૂકવાશે. જ્યારે બાળકોને 60 રૂપિયા લેખે 420 રૂપિયા ચૂકવાશે. જે લોકોને 16 અને 17મી મેના રોજ સ્થળાંતર કરાવ્યુ છે તેમને સાત દિવસ અને 18મીએ સ્થળાંતર કર્યુ હશે તેમને ત્રણ દિવસની કેશડોલ્સ ચૂકવાશે.

વેક્સિનેશન 20મી મેથી શરુ
તાઉ તે વાવાઝોડા અને કેન્દ્ર સરકારે વેક્સિનના સમયગાળામાં કરેલા ફેરફારને કારણે સ્થગિત કરાયેલ વેક્સિનેશન આવતીકાલ 20મી મેથી પુનઃ શરુ કરાવાની જાહેરાત મુખ્ય પ્રધાને કરતા કહ્યું કે, રાજ્યના 10 શહેરમાં 18થી 44 વર્ષના લોકો માટે 50,000 ડોઝ આપવામાં આવશે. તો 44થી વધુ વર્ષના લોકોને પ્રથમ ડોઝ પણ આવતીકાલથી જ આપવામાં આવશે.

 

Next Video