એવું લાગે છે કે હોલીવુડના (Hollywood) પ્રખ્યાત અભિનેતા વિલ સ્મિથનો (Will Smith) અત્યારે સમય ખરાબ ચાલી રહ્યો છે. તાજેતરમાં, ઓસ્કાર 2022માં (Oscar Awards 2022) બહુચર્ચિત ‘થપ્પડ કાંડ’ બાદ તેની અસર હવે તેની કારકિર્દી પર પણ જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિલ સ્મિથની આગામી ફિલ્મ ‘બ્રાઈટ 2’ જે લોકપ્રિય OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી. તે હવે વિશ્વના સૌથી મોટા OTT પ્લેટફોર્મ Netflix દ્વારા રદ કરવામાં આવ્યું છે. જેનું કારણ ક્રિસ રોક સાથે થપ્પડનો વિવાદ જણાઈ રહ્યું છે. અત્યારે લોકો આ ઘટના અંગે પોતાની અલગ અલગ ટિપ્પણીઓ જણાવી રહયા છે.
વિલ સ્મિથનું અંગત અને વ્યાવસાયિક જીવન આ દિવસોમાં ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. તેની ફિલ્મ બ્રાઈટ 2 લાંબા સમયથી ચર્ચામાં હતી. ચાહકો પણ આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ હવે જે સમાચાર સામે આવ્યા છે તે વિલના ચાહકોને નિરાશ કરશે. કારણ કે, આ ફિલ્મ હવે મુલતવી રાખવામાં આવી છે. વિલ સ્મિથે જે રીતે ઓસ્કાર 2022માં ક્રિસ રોકને થપ્પડ મારી હતી, તે જોતા તેનો દરેક જગ્યાએ આજે બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.
Netflix આ ફિલ્મને લઈને અત્યારે કોઈ ઉતાવળ બતાવવા માંગતું નથી. હવે આ ફિલ્મ ક્યારે રિલીઝ થાય છે તે જોવું રહ્યું. આ થપ્પડ કાંડ બાદ વિલના તેની પત્ની સાથેના સંબંધો પણ બગડી ગયા છે. તેની પત્ની જેડા પિંકેટ અને વિલ સ્મિથની વચ્ચે તણાવનું વાતાવરણ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ બંને એકબીજા સાથે વાતચીત અત્યારે નથી કરી રહ્યા. એક મેગેઝીનના માટે, આ બંને વચ્ચે હવે છૂટાછેડાની સ્થિતિ સર્જાઈ છે.
હોલીવુડના પ્રખ્યાત અભિનેતા વિલ સ્મિથ પર એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટસ એન્ડ સાયન્સ (ઓસ્કાર) દ્વારા 10 વર્ષ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે પછી તે એકેડેમીના કોઈપણ કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહીં. ગત તા. 28 માર્ચે એવોર્ડ શો દરમિયાન વિલે હોસ્ટ ક્રિસ રોકને તેની પત્ની જેડા પિંકેટ સ્મિથની મજાક ઉડાડવા બદલ થપ્પડ માર્યાના 11 દિવસ પછી, એકેડેમીએ તેના પર કડક પગલાં લીધાં હતા.
આ બધા વિવાદોની વચ્ચે વિલ સ્મિથ ગઈ કાલે ભારત આવ્યો હતો. સફેદ ટી-શર્ટ અને હાફ પેન્ટમાં ભારત પહોંચેલા વિલ સ્મિથે હાથ હલાવીને લોકોનું સ્વાગત કર્યું હતું. તેણે પાપારાઝી સાથે ફોટા માટે પોઝ પણ આપ્યા હતા. તે લગભગ એક અઠવાડિયાથી મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયો હતો. બાદમાં, તેણે મહારાષ્ટ્રના બીડમાં એક ઈસ્કોન મંદિરમાં પણ ત્રણ દિવસ વિતાવ્યા છે.