આદિપુરુષ ફિલ્મને લઈને અગાઉ ઘણો વિવાદ ઉભો થયો હતો જે બાદ ફરી એકવાર કોન્ટ્રોવર્સી ક્રિએટ થઈ છે. તમે જાણો છો, પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાનની ફિલ્મ ‘આદિપુરુષ’ 16 જૂન, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
આવી સ્થિતિમાં કૃતિ સેનન અને આ ફિલ્મના ડાયરેક્ટર ઓમ રાઉત તિરુપતિ વેંકટેશ્વર મંદિર પહોંચ્યા હતા. અહીં બંનેએ એકબીજાને ગુડબાય કહેતા ડાયરેક્ટરે ક્રૃતિને ગાલ પર કિસ કરી હતી. આ જોઈને સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થઈ ગયો. કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો કે તેઓએ મંદિરમાં આવું ન કરવું જોઈતું હતું.
ત્યારે આ મામલે ‘રામાયણ’ની સીતા મૈયા તરીકે ઘર-ઘર ફેમસ થયેલી દીપિકા ચિખલિયાએ નિર્દેશક ઓમ રાઉત અને અભિનેત્રી કૃતિ સેનનના મંદિરમાં અલવિદા કિસના વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. બંનેના ગુડબાય કરતા હાવભાવ જોઈને કેટલાક યુઝર્સે વાંધો ઉઠાવ્યો અને ટૂંક સમયમાં જ મોટો વિવાદ ઊભો થયો.
હવે દીપિકા ચીખલિયાએ આ વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. એક મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, ‘હું માનું છું કે આ પેઢીના કલાકારો માટે આ એક મોટી સમસ્યા છે, કારણ કે તેઓ ન તો પાત્રમાં પ્રવેશી શકે છે અને ન તો તેમની લાગણીઓને સમજી શકે છે. તેમના માટે રામાયણ માત્ર એક ફિલ્મ રહી હશે. કદાચ તેઓ આધ્યાત્મિક રીતે તેનાથી જોડાયેલા નથી. કૃતિ આજની પેઢીની અભિનેત્રી છે.
આજના યુગમાં કોઈને ચુંબન કરવું કે ગળે લગાડવું એ એક મીઠી ચેષ્ટા માનવામાં આવે છે. તેણીએ ક્યારેય પોતાને સીતાજી માન્યા જ નહીં હોય. ધાર્મીક ફિલ્મો કર્યા પછી આ મામલો લાગણીનો વિષયક બની જાય છે. મેં સીતાનું પાત્ર જીવ્યું છે જ્યારે આજની અભિનેત્રીઓ તેને માત્ર એક રોલ માને છે. ફિલ્મ કે પ્રોજેક્ટ પૂરો થયા પછી તેમને હવે કોઈ પરવા નથી.
દીપિકા ચિખલિયાએ પોતે સીતાનું પાત્ર ભજવ્યું છે અને હવે કૃતિ સેનન આદિપુરુષમાં સીતા બની છે. આવી સ્થિતિમાં, તેમણે કહ્યું કે ‘જો હું મારી અને અમારા યુગની વાત કરું તો તે સમયે સેટ પર કોઈ અમને અમારા નામથી બોલાવવાની હિંમત કરતું ન હતું. મને સારી રીતે યાદ છે કે જ્યારે અમે અમારી ભૂમિકામાં હતા ત્યારે ઘણી વખત લોકો આવીને અમારા ચરણ સ્પર્શ કરતા હતા. તે એક અલગ યુગ હતો.દીપિકા ચિખલિયાએ કૃતિ સેનન અને ઓમ રાઉત સામે વાંધો વ્યક્ત કર્યો છે. રામાનંદ સાગરની રામાયણ વિશે વાત કરતાં તે આગળ કહે છે, ‘આજના કલાકારોએ સમજવું પડશે કે જ્યારે આપણે આ પ્રકારની ભૂમિકા ભજવીએ છીએ ત્યારે લોકો આપણને ભગવાન માને છે.
મંદિરના મુખ્ય પૂજારીએ કહ્યું, “તે નિંદનીય કૃત્ય છે. પતિ-પત્ની પણ ત્યાં (મંદિર) સાથે નથી જતા. તમે હોટેલના રૂમમાં જઈ શકો છો. “અને આમ કરી શકો છો. તમારું વર્તન રામાયણ અને દેવી સીતાનું અપમાન કરવા જેવું છે.