RAJKOT : ‘દામિની’ ફિલ્મનો એક પ્રખ્યાત ડાયલોગ છે તારીખ પે તારીખ …તારીખ પે તારીખ..! આ ડાયલોગ અત્યારે આ ફિલ્મના નિર્માતા રાજકુમાર સંતોષી (Rajkumar Santoshi)ને જ લાગુ પડી રહ્યો છે. બોલિવુડના જાણીતા લેખક-નિર્માતા રાજકુમાર સંતોષી આજે ચેક રિર્ટન થવાના કેસમાં કોર્ટમાં હાજર રહ્યા હતા.
5 કરોડનો ચેક રીટર્ન થયો હતો
વર્ષ 2013માં રાજકોટના એક બિલ્ડરે 5 કરોડ રૂપિયા જેટલી રકમ રાજકુમાર સંતોષી (Rajkumar Santoshi)ને આપી હતી બદલામાં સંતોષીએ એક ચેક તેમને આપ્યો હતો. જ્યારે બિલ્ડરે આ ચેક જમા કરાવ્યો ત્યારે તે રિટર્ન થયો હતો જેના કારણે રાજકોટની કોર્ટમાં ફરિયાદ થઇ હતી.આજે કોર્ટે મોકલેલ સમન્સને આધારે રાજકુમાર સંતોષી નેગોશિએબલ કોર્ટમાં હાજર રહ્યા હતા. જો કે ત્યાંના ન્યાયાધીશ રજા પર હોવાથી માત્ર હાજરી પુરી હતી અને કોર્ટે વધુ સૂનવણી 5 ઓક્ટોબરે હાથ ધરવાનો હુક્મ કર્યો છે.
2013 થી રાજકોટના બિલ્ડર સાથે ચાલે છે વિવાદ
મળતી માહિતી પ્રમાણે ફિલ્મ જગત સાથે સંકળાયેલા રાજકોટના બિલ્ડરે વર્ષ 2013 માં હાથ ઉછીના પેટે 5 કરોડ રૂપિયા જાણીતા લેખક-નિર્માતા રાજકુમાર સંતોષી (Rajkumar Santoshi)ને આપ્યા હતા, જેના જામીન પેટે એક ચેક પણ આપ્યો હતો. ત્યાર બાદ અવારનવાર રૂપિયા પરત માંગવા છતા આપવામાં આવ્યા ન હતા અને અંતે બિલ્ડરે ચેક બેંકમાં ક્લીયરીંગ માટે આપતા તે રિટર્ન થયો હતો અને જેના આધારે બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી.
ફલાઇટ રદ્દ થતા સવારે પહોંચ્યા
રાજકોટ કોર્ટ મુદ્દતે આવવા માટે રાજકુમાર સંતોષી શુક્રવારે રાત્રે મુંબઇથી નીકળ્યા હતા પરંતુ તેમની ફલાઇટ રદ્દ થઇ હતી. જે બાદ તેઓ સવારની ફલાઇટમાં રાજકોટ આવ્યા હતા અને કોર્ટમાં હાજર રહ્યા હતા.રાજકુમાર સંતોષીના વકીલ તરીકે બિનેસ પટેલ જ્યારે બિલ્ડરના વકીલ તરીકે પ્રવિણ કોટેચા રોકાયા છે.
રાજકુમાર સંતોષી (Rajkumar Santoshi)એ અનેક ફિલ્મના નિર્માતા છે. તેમણે અંદાજ અપના અપના,દામિની,ઘાયલ,ખાખી,ચાઇના ગેઇટ,અજબ પ્રેમ કી ગજબ કહાની સહિત અનેક ફિલ્મો તૈયાર કરી છે.