
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા 16 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશી અને દયાબેન એટલે કે દિશા વાકાણીની જોડીએ દર્શકોના દિલ જીતી લીધા છે. ત્યારે તારક મહેતાની ટીમ શો વગર પણ બહાર ક્યાંય જોવા મળે તો ચાહકો ટીમને એટલો જ પ્રેમ આપે છે.
શોના મેન એક્ટર એટલે કે જેઠાલાલના ચાહકોએ હંમેશા દિશા વાકાણીને સ્ક્રીન પર તેની પત્ની તરીકે જોયા છે, પરંતુ તેના ચાહકો હંમેશા તેની વાસ્તવિક જીવનની પત્નીની ઝલક મેળવવા માટે ઉત્સુક હોય છે. આ દરમિયાન હવે દિલીપ જોશીનો તેમની પત્ની સાથેનો એક વીડિયો સામે આવ્યો છે. જોકે તેમની સામે પાપારાઝી બબીતાજી વિશે પુછે અને તે બાદ જેઠાલાલની રિયલ દયાના રિએક્શન જોવા જેવા છે.
આમિર ખાનની દીકરી ઈરા ખાન અને નુપુર શિખરેના વેડિંગ રિસેપ્શનમાં દિલીપ જોશી તેની પત્ની સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન દિલીપ જોશી એટલે કે જેઠાલાલ તેમની પત્ની સાથે કાળા રંગની શેરવાનીમાં પાપારાઝી માટે પોઝ આપતા જોવા મળ્યા હતા. સાથે જ તેની પત્ની પણ સિમ્પલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. બંનેએ હસતા હસતા કેમેરા સામે પોઝ આપ્યા હતા. સોશિયલ મીડિયા પર બંનેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
પત્ની સાથે પોઝ આપ્યા બાદ દિલીપ જોશી આગળ વધ્યા કે તરત જ પાપારાઝીએ તેમને પૂછ્યું કે બબીતાજી ક્યાં છે? આ સાંભળીને દિલીપ જોષી અને તેમના પત્ની રોકાઈ ગયા અને હસ્યા અને કહે, ‘ઘરે બીજે ક્યાં હોય?’ આ જવાબ સાંભળીને જેઠાલાલની પત્નીની રમૂજી પ્રતિક્રિયા જોવા જેવી હતી અને પાપારાઝી પણ જોર જોરથી હસવા લાગ્યા.
દિલીપ જોશીના આ વીડિયો પર યુઝર્સ તરફથી ફની રિએક્શન આવી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘આમીર ખાને બધાને આમંત્રણ આપ્યું છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘ભાભી, તમારે બબીતાજીને નહીં પરંતુ દયા ક્યાં છે તે પૂછવું જોઈએ.’ અન્ય યુઝરે લખ્યું, ‘સૌથી સરળ અને નમ્ર વ્યક્તિ.’ એક લખે છે, ‘આ માણસે દેશના તમામ લોકોના દિલ જીતી લીધા છે.’ આવી બીજી ઘણી કોમેન્ટ્સ આ વીડિયો પર આવી રહી છે.