બોલિવૂડની સુંદર અભિનેત્રી ઝરીન ખાન પોતાનો જન્મદિવસ 14 મેના રોજ ઉજવે છે. તેમનો જન્મ વર્ષ 1987માં મુંબઈમાં થયો હતો. ઝરીન ખાન બોલિવૂડની એવી અભિનેત્રીઓમાંથી એક છે, જેમણે તેમની કારકિર્દીની શરૂઆત અભિનેતા સલમાન ખાનની ફિલ્મથી કરી હતી. તેમણે બોલિવૂડ ફિલ્મ ‘વીર’ થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જન્મદિવસ નિમિત્તે, અમે તમને ઝરીન ખાનને લગતી વિશેષ બાબતોનો પરિચય આપીશું.
ઝરીન ખાન એ અભિનેત્રીઓમાંની એક છે જેમણે પોતાના જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો છે. આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી તેમણે ફિલ્મોમાં સ્થાન બનાવ્યું છે. ઝરીન ખાને તેમના પરિવાર માટે શરૂઆતથી જ સંઘર્ષ કરવો પડ્યો હતો. પિતાના અવસાન પછી તેમના ઘરે તેમની માતા અને બહેન છે. પિતાના નિધન થયા બાદ તેમના પરિવારની આર્થિક સ્થિતિ ઘણી કથળી હતી. આ પછી ઝરીન ખાને કોલ સેન્ટરમાં કામ કરીને તેમના પરિવારનું સંચાલન કરવું પડ્યું હતું.
પોતાના એક ઈન્ટરવ્યુમાં ઝરીન ખાને પિતાના મૃત્યુ વિશે કહ્યું હતું કે તે દિવસે તેમણે તેમની માતાને સમજાવ્યા હતા અને કહ્યું હતું કે બધુ ઠીક થઈ જશે. તે પછી તેમણે સખત મહેનત શરૂ કરી. શરૂઆતમાં તેમણે પરિવાર માટે કોલ સેન્ટરમાં કામ કર્યું અને 12મું પાસ કરવા સુધી તેમની બહેન અભ્યાસ કરી રહી હતી. આ પછી, તેમણે સખત મહેનત કરી અને સફળતા હાંસલ કરી.
ઝરીન ખાને જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો ત્યારે લોકોએ તેમને સુંદર અભિનેત્રી કેટરિના કૈફની હમશક્લ કહેવાનું શરૂ કર્યું. એકવાર સલમાન ખાન તેમની ફિલ્મ યુવરાજનું શૂટિંગ કરી રહ્યા હતા. આ સમય દરમિયાન તેમની નજર ઝરીન ખાન પર પડી.
સલમાનની ટીમે તેમની આગામી ફિલ્મ માટે ઝરીન ખાનનો સંપર્ક કર્યો. આટલા મોટા સ્ટારની ઓફર ઝરીન ખાન ઈનકાર કરી શકી નહીં અને તેમણે ફિલ્મમાં આવવા માટે હા પાડી દીધી. આ પછી, સલમાન ખાને 2010માં તેમની ફિલ્મ વીરથી તેમને ડેબ્યૂ કરાવ્યું હતું.
‘વીર’ પછી ઝરીન ખાન બેક ટુ બેક ઘણી ફિલ્મોમાં દેખાઈ હતી. હાઉસફુલ 2, હેટ સ્ટોરી 2, વજહ તુમ હો, અકસર 2, અને 1921માં તે દેખાઇ. બધી મહેનત છતાં ઝરીન ખાન બોલિવૂડમાં જે સ્થાનની આશા રાખતી હતી તે પ્રાપ્ત કરી શકી નહીં. ફિલ્મો ઉપરાંત ઝરીન ખાન પોતાના વજનને લઈને પણ ખૂબ ચર્ચામાં રહેલી છે.
ફિલ્મોમાં આવતાં પહેલાં તેમનું વજન ખૂબ વધુ હતું. એક સમયે તેમનું વજન 100 કિલો સુધી પહોંચી ગયુ હતું. કુટુંબની નબળી આર્થિક સ્થિતિને કારણે ઝરીન ખાને એક કોલ સેન્ટરમાં કામ કરવું પડ્યું હતું. આ સમય દરમિયાન તે ખૂબ જંકફૂડ ખાતી હતી, જેના કારણે તેમનું વજન નોંધપાત્ર રીતે વધ્યું હતું. જોકે, તેમણે બોલિવૂડમાં પગ મૂકીને પોતાનું વજન ઓછું કરી દીધું હતું.