જે ફિલ્મની દર્શકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આખરે તેની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. હા, અમે વાત કરી રહ્યા છીએ ફિલ્મ ‘મેજર’ની જેમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર આદિવી શેષ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 26/11ના મુંબઈ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં આદિવી શેષ મેજર સંદીપ ઉન્નીકૃષ્ણનની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ 27 મેના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. જેની જાણકારી આદિવી શેષે આજે તેમની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી છે.
આ ફિલ્મ ત્રણ ભાષાઓમાં રિલીઝ થશે, જેમાં તેલુગુ, હિન્દી અને મલયાલમનો સમાવેશ થાય છે. ફિલ્મની રિલીઝ ડેટની ઘોષણા કરતા આદિવી શેષે તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું – આ ઉનાળો જોરદાર રહેશે. મેજર 27 મે, 2022ના રોજ વિશ્વભરમાં રિલીઝ થઇ રહી છે. આ મેજરનું વચન છે.
મેજર સંદીપ ઉન્નીક્રિષ્નન એક બહાદુર NSG કમાન્ડો હતા જેમણે મુંબઈની તાજ હોટેલ પર થયેલા આતંકવાદી હુમલામાં ઘણા બંધકોના જીવ બચાવીને પોતાનો જીવ ગુમાવ્યો હતો. શશિ કિરણ ટિક્કા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં આદિવી શેષ સિવાય સાઈ માંજરેકર, પ્રકાશ રાજ, રેવતી, મુરલી શર્મા અને શોભિતા ધુલીપાલ જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં મેજર સંદીપની મેજર બનવા સુધીની સફર બતાવવામાં આવશે, પરંતુ તેની લવ સ્ટોરી પણ બતાવવામાં આવશે. જેનાથી ઘણા લોકો અજાણ છે.
મેજરના ટ્રેલર લોન્ચ દરમિયાન આદિવી શેષે આ ફિલ્મ સાથે સંબંધિત તેમની સફર શેર કરી છે. તેણે જણાવ્યું હતું કે કેવી રીતે તેણે મેજર સંદીપ ઉન્નીક્રિષ્નનના માતા-પિતાને તેમના પુત્ર પર ફિલ્મ બનાવવા માટે ઘણી મુશ્કેલીથી સમજાવ્યા હતા. આદિવી શેષ અને તેમની ટીમે ઘણી વખત મેજર સંદીપના માતા-પિતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓએ દર વખતે તેમને ના પાડી હતી.
જો કે, જ્યારે સંદીપના માતા-પિતાને ખબર પડી કે આદિવી અને તેમની ટીમ લાંબા સમયથી મેજર સંદીપના જીવન પર સંશોધન કરી રહી છે. ત્યારે તેઓએ તેમના પર વિશ્વાસ કર્યો અને આદિવી અને તેમની ટીમને ફિલ્મ બનાવવાની મંજૂરી આપી હતી. ટ્રેલર દરમિયાન, આદિવીએ ફિલ્મ બનાવવાની પરવાનગી આપવા બદલ મેજર સંદીપના માતા-પિતાનો આભાર માન્યો હતો. અભિનેતાએ કહ્યું હતું કે તેણે મારા પર વિશ્વાસ મૂક્યો છે અને હું ક્યારેય આ વિશ્વાસ તોડીશ નહીં.
આ પણ વાંચો : World Cancer Day: વિશ્વ કેન્સર દિવસ 4 ફેબ્રુઆરીએ જ શા માટે મનાવવામાં આવે છે? આવો જાણીએ ઇતિહાસ
આ પણ વાંચો : UP Assembly Election 2022 : ઓવૈસી પર હુમલો કરનારા બંને આરોપીઓનો ખુલાસો, AIMIMના વડાને શા માટે બનાવ્યા ટાર્ગેટ