કિરણ રાવ (Kiran rao) બોલિવૂડ નિર્માતા, દિગ્દર્શક અને લેખક છે. કિરણ ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેના અને આમિર ખાનના(Aamir khan) સંબંધોની ચર્ચા સરેઆમ કરવામાં આવતી હતી. કિરણ અને આમિરની જોડી ખૂબ જ સેટલ માનવામાં આવતી હતી. બંને દરેક તબક્કે એકબીજાને સાથ આપતા હતા. કિરણ રાવ આમિરના જીવનનો લકી ચાર્મ હતી. પરંતુ લાંબા સંબંધો પછી બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો. કિરણ રાવે પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પર્સનલ લાઇફને લઈને પણ ચર્ચામાં રહી હતી.
કિરણ રાવે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ‘લગાન’થી કરી હતી. ત્યાર બાદ તેણે આશુતોષ ગોવારિકર સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું. આ દરમિયાન આમિર ખાન અને તેમની વચ્ચે મિત્રતા વધી ગઈ હતી. કિરણ રાવ માટે આ એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું. તે નાનપણથી જ આમિરની ફેન હતી. આમિરની ફિલ્મ ‘કયામત સે કયામત તક’ જોયા બાદ તેને દિલ દઈ બેઠી હતી.
કિરણ રાવનો જન્મ 7 નવેમ્બર 1973ના રોજ તેલંગાણામાં થયો હતો. તેમના દાદા જે. રામેશ્વર વાનપર્થીના રાજા હતા. કિરણ તેલંગાણાની હોવા છતાં તેનું બાળપણ કોલકાતામાં વીત્યું હતું. ત્યાં તેણે લોરેટો હાઉસમાંથી સ્કૂલિંગ પૂરું કર્યું હતું. તેના માતા-પિતા 1992માં કોલકાતા છોડીને મુંબઈ શિફ્ટ થઈ ગયા. તે પણ તેના પરિવાર સાથે મુંબઈ આવી ગઈ. બાકીનો અભ્યાસ તેણે મુંબઈમાં કર્યો હતો. ત્યાં તેણે સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેણે મુંબઈની સોફિયા કોલેજમાંથી બેચલર ઓફ આર્ટસનો અભ્યાસ કર્યો છે. આ પછી તે વધુ અભ્યાસ માટે દિલ્હી આવી હતી. ત્યાં તેણે જામિયા મિલિયા ઈસ્લામિયામાંથી માસ કોમ્યુનિકેશનની ડિગ્રી મેળવી હતી.
કિરણ રાવે પોતાની ફિલ્મ કરિયરની શરૂઆત આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરી હતી. આ પછી તેણે આમિર ખાન સાથે ધોબીઘાટ ફિલ્મ બનાવી હતી. તેણીએ 2010 માં આ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું અને આમિર ખાને તેનું નિર્માણ કર્યું હતું. આ પછી નિર્માતા તરીકે તે આમિર ખાનની ફિલ્મ દંગલ અને સિક્રેટ સુપરસ્ટાર સાથે સંકળાયેલી હતી.
વર્ષ 2000માં જ્યારે ફિલ્મ લગાનનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે કિરણની મુલાકાત થઈ હતી. તે ફિલ્મમાં કિરણ આસિસ્ટન્ટ તરીકે કામ કરી રહી હતી. તે સમયે તેમનો પગાર માત્ર દસ હજાર રૂપિયા હતો. ત્યાંથી બંને વચ્ચે મુલાકાતનો દોર શરૂ થયો. આ પછી આમિરે લગ્ન કર્યા ત્યારે બંને વચ્ચે નિકટતા વધી. આ બંને વચ્ચે પ્રેમ વધવા લાગ્યો ત્યારબાદ આમિરે 2002માં રીના દત્તથી છૂટાછેડા લીધા. તે પછી બંનેએ એકબીજાને 3 વર્ષ સુધી ડેટ કર્યા અને 2005માં લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.
કિરણ અને આમિરના લગ્ન સાથે જોડાયેલો એક ખૂબ જ રસપ્રદ કિસ્સો છે. કહેવાય છે કે કિરણ સાથે લગ્ન કરવા માટે આમિરે 50 કરોડ ચૂકવવા પડ્યા હતા. છૂટાછેડા સમયે તેણે આ રકમ તેની પ્રથમ પત્નીને આપવાની હતી. તેની સાથે છૂટાછેડા લીધા બાદ આમિર અને કિરણ એક થઈ ગયા. પરંતુ લગ્નના 15 વર્ષ બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. આમિર અને કિરણે સંયુક્ત નિવેદન જાહેર કરીને ખૂબ જ પરિપક્વતા સાથે અલગ થવાનો નિર્ણય કર્યો.
કિરણ અને આમિરને એક પુત્ર આઝાદ રાવ ખાન છે. બહુ ઓછા લોકો જાણે છે કે તે અભિનેત્રી અદિતિ રાવ હૈદરીની કઝીન છે. કિરણ રાવ ‘પાની ફાઉન્ડેશન’ નામની એનજીઓના સહ-સ્થાપક પણ છે. જે મહારાષ્ટ્રમાં દુષ્કાળની સમસ્યા પર કામ કરે છે.