બૉલીવુડની (Bollywood) એક સમયની સૌથી વિખ્યાત ગણાતી અભિનેત્રી પરવીન બાબી (Parveen Babi) આજથી 17 વર્ષ પહેલા સ્વર્ગસ્થ થઈ હતી, પરંતુ તેના જીવનની અને અભિનયની ચમક હજુ પણ અકબંધ છે. પરવીન બાબીની મોડેલિંગ કારકિર્દી 1972માં શરૂ થઈ હતી અને ઝડપથી સલીમ દુર્રાનીની સામે 1973માં ફિલ્મ ‘ચરિત્ર’ સાથે તેની ફિલ્મી કરિયરની શરૂઆત થઈ હતી. જો કે, આ ફિલ્મ સારૂ પ્રદર્શન કરી શકી ન હતી, પરંતુ તેના અભિનય માટે પરવીનની પ્રશંસા થઈ હતી. ત્યારબાદ પરવીને ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી હતી. તેણીની પ્રથમ મોટી હિટ ફિલ્મ 1974માં અમિતાભ બચ્ચન (Amitabh Bacchan) સાથે ‘મજબૂર’ હતી. આજે આ મહાન અભિનેત્રીની 68મી જન્મજયંતિ છે.
તેણીની જન્મજયંતિ પર આજે અમે તમને એક ખાસ વાત જણાવીશું. જ્યારે રણબીર કપૂરે એકવાર જણાવ્યુ હતું કે તેની ગર્લફ્રેન્ડ, આલિયા ભટ્ટ, પરવીન બાબીની બાયોપિકમાં પરવીનનું પાત્ર ભજવવા માટે યોગ્ય પસંદગી હશે. 2017ની એક ઇવેન્ટ દરમિયાન, જ્યાં રણબીર અને આલિયા બંને સાથે દેખાયા હતા, ત્યારે અભિનેત્રીને પૂછવામાં આવ્યું હતું કે તેનો બોયફ્રેન્ડ મતલબ કે રણબીર કપૂર ક્યા અભિનેતાની બાયોપિકમાં પાત્ર ભજવવા માંગે છે. જો કે, ત્યારે રણબીર ‘સંજુ’ ફિલ્મની શુટિંગની તૈયારીમાં હતો.
લોકમત મહારાષ્ટ્રીયન ઓફ ધ યર ઈવેન્ટમાં આલિયાએ કહ્યું કે, “રણબીર મારી કારકિર્દીનો સમર્થક હોવાથી હું તેને જવાબ આપવા દઈશ.” રણબીરે કહ્યું કે, “તેણી મતલબ કે આલિયા ભટ્ટ જે રીતે કામ રહી છે, તે જોતાં તો આલિયા પોતાની બાયોપિક પણ કરી શકે છે, પરંતુ બધી મજાકને બાજુ પર રાખીને, માધુરી દીક્ષિત કે મીના કુમારી, મધુબાલા, વહીદા રહેમાન, ઝીનત અમાન, પરવીન બાબી. મને લાગે છે કે પરવીન બાબી તેના માટે સારી બાયોપિક હશે. શું તમે આ બાયોપિક કરશો ?” આલિયાએ જવાબ આપ્યો હતો, “હા, ચોક્કસ.”
પરવીન બાબીની સિનેમેટિક કરિયર 15 વર્ષની હતી. તેણીએ મજબૂર, દીવાર, અમર અકબર એન્થોની, નમક હલાલ, શાન, કાલિયા, મહાન, દો ઔર દો પાંચ, કાલા પથ્થર સહિતની અવિશ્વસનીય ફિલ્મો ભારતીય સિનેમાને આપી હતી.