ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધીને 'ભાજપનું સંકલ્પ પત્ર' એટલે કે ચૂંટણી ઢંઢેરો કર્યો હતો.
ભાજપના સંકલ્પ પત્રની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધીને ‘ભાજપનું સંકલ્પ પત્ર’ એટલે કે ચૂંટણી ઢંઢેરો કર્યો હતો. ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા 05 નવેમ્બરના રોજ ‘અગ્રેસર ગુજરાત’ કેમ્પેન લૉન્ચ કરાયું હતું. જેમાં તા. 15 નવેમ્બર સુધી ગુજરાતની જનતા પાસે ભાજપ દ્વારા સૂચનો માંગવામાં આવ્યા હતા. સંકલ્પ પત્ર રજૂ કરતા અગાઉ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે સંકલ્પ પત્ર બનાવવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેમજ ભાજપે અગાઉના વર્ષોના વાયદા પૂર્ણ કર્યા છે.
મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ ખેડૂતોને પાકના નુકસાનની સમયબદ્ધ આકારણી અને રાહત રકમનું વિતરણ સુનિશ્ચિત કરીશું.
મુખ્યમંત્રી ખેડૂત ફેલોશિપ શરુ કરવામાં આવશે, જેના થકી રાજ્યભરના ખેડૂત અગ્રણીઓ શ્રેષ્ઠ પદ્ધતિઓનો અભ્યાસ કરવા વિદેશની મુલાકાત લેશે.
250 કરોડના ભંડોળ થકી આગામી 5 વર્ષમાં 1,000 નવા FPO બનાવીશું તથા 25 લાખ સુધીની વ્યાજમુક્ત લોન પ્રદાન કરીશું.
ગુજરાત કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોષ હેઠળ ₹10,000 કરોડ નું રોકાણ કરીશું, જે કૃષિ વિકાસ માટે એક સર્વગ્રાહી વ્યવસ્થાને (APMCs, ખેડૂત મંડળીઓ, વર્ગીકરણ-ગ્રેડિંગ યુનિટ્સ, કોલ્ડ ચેન, વેરહાઉસ, પ્રાઈમરી પ્રોસેસિંગ યુનિટ્સ વગેરેનું આધુનિકીકરણ અને નિર્માણ દ્વારા) મજબૂત કરાશે.
₹25,000 કરોડ ના ખર્ચે સમગ્ર ગુજરાતમાં સુજલામ સુફલામ, SAUNI, લિફ્ટ ઇરિગેશન, સૂક્ષ્મ સિંચાઈ, ટપક સિંચાઈ અને અન્ય પદ્ધતિથી થતાં કૃષિ સિંચાઈના વર્તમાન નેટવર્કનું વિસ્તરણ કરીશું.
પશુધનની સર્વગ્રાહી કાળજી સુનિશ્ચિત કરવા માટે ગૌશાળાઓને માળખાગત રીતે મજબૂત (₹500 કરોડનું વધારાનું બજેટ), 1000 વધારાના મોબાઇલ વેટરનરી યુનિટ્સની રચના અને દરેક પશુધન માટે રસીકરણ તેમજ વીમાની ખાતરી કરાશે.