
CBSE બોર્ડની 10મી અને 12મીની પરીક્ષા પહેલા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. એક સિનિયર ઓફિસર એ શુક્રવાર 01 ડિસેમ્બર 2023ના રોજ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓમાં કોઈ ડિવિઝન કે ડિસ્ટિંક્શન નહીં આપે. CBSE પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે જણાવ્યું હતું કે, કોઈ એકંદર ડિવિઝન, માર્કસનો કોઈ તફાવત અથવા ગુણનો સરવાળો આપવામાં આવશે નહીં.
સંયમ ભારદ્વાજે જણાવ્યું હતું કે, બોર્ડ માર્ક્સની ટકાવારીની ગણતરી, જાહેરાત કે જાણ કરતું નથી. તેમણે કહ્યું કે જો ઉચ્ચ શિક્ષણ અથવા રોજગાર માટે ગુણની ટકાવારી જરૂરી હોય તો તેની ગણતરી પ્રવેશ સંસ્થા અથવા નોકરીદાતા જાહેર કરી શકે છે. અગાઉ સીબીએસઈએ મેરિટ લિસ્ટ જાહેર કરવાની પ્રથા પણ ખતમ કરી દીધી હતી. જેના કારણે બોર્ડની પરીક્ષામાં ટોપર્સની યાદી પણ બહાર પાડવામાં આવી નથી.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એટલે કે સીબીએસસી એ 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓ માટે ટકાવારીની ગણતરી માટેના માપદંડોને સ્પષ્ટ કરતી નોટિસ જાહેર કરી દીધી છે. પરીક્ષાના પેટા-નિયમોને ટાંકીને નોટિસ ભારપૂર્વક જણાવે છે કે, કોઈ એકંદર ડિવિઝન, તફાવત કે માપ આપવામાં આવશે નહીં. જો કોઈ વિદ્યાર્થીએ પાંચ કરતાં વધુ વિષયો લીધા હોય તો બેસ્ટ પાંચ વિષયો નક્કી કર્યા પછી માર્કશીટ તૈયાર કરવામાં આવશે.
CBSE બોર્ડે આગામી વર્ષની એક્ઝામની ડેટશીટ બહાર પાડી છે. ધોરણ 10 અને 12 માટે વિગતવાર ડેટશીટ બહાર પાડવામાં આવશે. વિષય મુજબનું ટાઈમટેબલ CBSE cbse.gov.in ની ઓફિશિયલ વેબસાઇટ પર બહાર પાડવામાં આવશે.
આ વર્ષે CBSE બોર્ડે 10મા અને 12મા ધોરણમાં મળીને 35 લાખથી વધુ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કર્યું છે. અધિકારીઓ ટૂંક સમયમાં ટાઈમટેબલ જાહેર કરી શકે છે. વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી ગંભીરતાથી શરૂ કરી દેવી જોઈએ તેવી સલાહ આપવામાં આવે છે.