Kisan Rail : કિસાન રેલ વડોદરાથી કેળા લઈ દિલ્હી પહોંચી, બાગાયતી ખેડૂતોને થશે ફાયદો

કિસાન રેલ ગુજરાતના વડોદરા શહેરથી કેળા લઇને દિલ્હી પહોંચી છે. ભારતીય રેલ્વેના આ પ્રયત્નોથી વડોદરા અને તેની આસપાસના ખેડૂતોને મોટો ફાયદો મળી રહ્યો છે.

Kisan Rail : કિસાન રેલ વડોદરાથી કેળા લઈ દિલ્હી પહોંચી, બાગાયતી ખેડૂતોને થશે ફાયદો
કિસાન રેલ વડોદરાથી કેળા લઈ દિલ્હી પહોંચી
| Updated on: Jun 17, 2021 | 7:44 PM

કિસાન રેલ ગુજરાતના વડોદરા (Vadodara) શહેરથી કેળા લઇને દિલ્હી પહોંચી છે. ભારતીય રેલ્વેના આ પ્રયત્નોથી વડોદરા અને તેની આસપાસના ખેડૂતોને (Farmers) મોટો ફાયદો મળી રહ્યો છે. કિસાન રેલ કૃષિ ઉત્પાદનો માટે બજાર પ્રદાન કરે છે. આનો લાભ માત્ર ખેડૂતોને જ થતો નથી, પરંતુ ગ્રાહકોને પણ ફાયદો થાય છે અને તેમને ગુણવત્તાવાળો માલ મળે છે. સાથે જ ખેડૂતોની આવકમાં વધારો થાય છે.

બુધવારે કિસાન રેલ વડોદરાથી દિલ્હીના આદર્શ નગર સ્ટેશન માટે રવાના થઈ હતી. કિસાન રેલ ગુરુવારે ટ્રેનના 20 કોચમાં કુલ 194 ટન કેળાં લઇને દિલ્હી પહોંચી હતી. આ વિશે માહિતી આપતાં રેલવે મંત્રાલયે ટ્વીટ કર્યું હતું કે, ‘વડોદરાથી દિલ્હી પહોંચી, ખેડૂતોની ઉપજ: વડોદરાથી 194 ટન કેળા પ્રથમ કિસાન રેલ દ્વારા દિલ્હીના બજારોમાં મોકલવામાં આવ્યા. કિસાન રેલ, જે ક્ષેત્રમાં તેની માગ છે ત્યાં કૃષિ ઉત્પાદનો પહોચાડી ખેડૂતો અને ગ્રાહકો બંનેને લાભ આપી રહ્યા છે.’

પશ્ચિમ રેલ્વે 01 એપ્રિલથી 15 જૂન સુધીમાં 63 કિસાન રેલ ચલાવી છે. તેના માધ્યમથી 14 હજાર 200 ટન ખેડૂતોની પેદાશ દેશના વિવિધ બજારોમાં પહોચાડવામાં આવી છે. પશ્ચિમ રેલ્વેનો રતલામ અને મુંબઇ વિભાગ કિસાન રેલ દ્વારા ચિકુ, ડુંગળી અને બટાટાની ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનોને બજાર પ્રદાન કરી રહ્યું છે.

ભારતીય રેલ્વેની કિસાન રેલ કોરોના દરમિયાન ખેડૂતો માટે મોટી મદદ બની છે. રોગચાળાને કાબૂમાં લેવા લાદવામાં આવેલા લોકડાઉનમાં ખેડૂતોના પાકને યોગ્ય બજાર મળી રહ્યું ન હતું. જે વિસ્તારોમાં ઉત્પાદનની માગ છે ત્યાં કિસાન રેલ દ્વારા પરિવહન કરવામાં આવી રહ્યું છે. સરકારના આ પગલાથી ખેડૂતો તેમજ ગ્રાહકો પણ લાભ મેળવી રહ્યા છે.

હવે કિસાન રેલ દ્વારા દેશમાં ખેડૂતોના ઉત્પાદનો માટે નવું બજાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારના અધિકારીઓ કહે છે કે, ખેડૂતોના હિતમાં અમે કેન્દ્ર સરકારને કેટલીક કિસાન રેલ ચલાવવા વિનંતી કરી હતી. સરકાર ઇચ્છે છે કે મોસમી ફળની વાવણી કરતા ખેડૂતોને કેન્દ્ર સરકારના પ્રયત્નોનો લાભ મળવો જોઈએ અને કિસાન રેલ તેમના માટે મોટા બજારો પૂરા પાડશે.