Edible oil price : નવા પાકના આગમન અને વૈશ્વિક કિંમતોમાં સંભવિત ઘટાડા સાથે ડિસેમ્બરથી દેશમાં ખાદ્ય તેલના (Edible oil Price) ભાવમાં ઘટાડો થશે. ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ શુક્રવારે આ અંગે માહિતી આપી હતી. ભારત તેના 60 ટકા ખાદ્ય તેલની આયાત કરે છે. વૈશ્વિક વિકાસને કારણે દેશમાં ખાદ્ય તેલોના છૂટક ભાવ છેલ્લા એક વર્ષમાં 64 ટકા વધ્યા છે.
પાંડેએ પત્રકારોને જણાવ્યું હતું કે, “વાયદા બજારમાં ડિસેમ્બરમાં ડિલિવરી માટે ખાદ્ય તેલોના ભાવમાં ઘટતા વલણને જોતા એવું લાગે છે કે છૂટક ભાવમાં ઘટાડો શરૂ થશે.” પરંતુ, આમાં કોઈ નાટ્યાત્મક ઘટાડો થશે નહીં કારણ કે વૈશ્વિક દબાણ તો બનેલું જ રહેશે.
નવા પાકના આગમન બાદ જ દરમાં ઘટાડો થશે
તેમણે કહ્યું કે નવા પાકનું આગમન અને વૈશ્વિક કિંમતોમાં સંભવિત ઘટાડો ખાદ્ય તેલોના છૂટક ભાવને ઓછો કરવામાં મદદ કરશે. સ્થાનિક બજારમાં ખાદ્યતેલોમાં તીવ્ર વધારો થવાનું કારણ સમજાવતા સચિવે કહ્યું કે એક મુખ્ય કારણ એ છે કે ઘણા દેશો પોતાના સંસાધનોનો ઉપયોગ કરીને આક્રમક રીતે બાયોફ્યુઅલ નીતિ અપનાવી રહ્યા છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ભાવમાં વધારો થયો છે.
ઉદાહરણ તરીકે જોવામાં આવે તો મલેશિયા અને ઇન્ડોનેશિયા જે ભારતને પામતેલના મોટા સપ્લાયર છે, એમ તેમણે જણાવ્યું હતું. તેઓ તેમની બાયોફ્યુઅલ નીતિ માટે પામ તેલનો ઉપયોગ કરે છે. તેવી જ રીતે અમેરિકા પણ બાયોફ્યુઅલ બનાવવા માટે સોયાબીનનો ઉપયોગ કરી રહ્યું છે.
પામતેલના ભાવમાં વધારો
ભારતમાં મોટા પ્રમાણમાં પામ તેલ અને સોયાબીન તેલની આયાત થાય છે. ભારતીય બજારમાં પામતેલનો હિસ્સો 30-31 ટકાની આસપાસ છે જ્યારે સોયાબીન તેલનો હિસ્સો 22 ટકા સુધી છે. આ સ્થિતિમાં વિદેશમાં ભાવ વધારાની અસર સ્થાનિક બજાર પર પડે છે. તેમણે કહ્યું કે ગયા સપ્તાહે સોયાબીન તેલના વૈશ્વિક ભાવમાં 22 ટકા અને પામતેલના 18 ટકાનો વધારો થયો હતો, પરંતુ ભારતીય બજાર પર તેની અસર બે ટકાથી ઓછી રહી છે.
ભારત સરકારે રિટેલ બજારોમાં કિંમતોને સ્થિર રાખવા માટે અન્ય પગલાંની સાથે આયાત ડ્યુટીમાં ઘટાડો જેવા અન્ય ઘણા પગલાં લીધા છે. સરકારી આંકડા મુજબ, પામતેલની છૂટક કિંમત એક વર્ષ પહેલા 85 રૂપિયા પ્રતિ કિલો હતી. જે 3 સપ્ટેમ્બરના રોજ 64 ટકા વધીને 139 રૂપિયા થઈ ગઈ છે.
તેવી જ રીતે, સોયાબીન તેલની છૂટક કિંમત 51.21 ટકા વધીને 155 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. તે અગાઉ 102.5 રૂપિયા પ્રતિ કિલો હતી. જ્યારે સૂર્યમુખી તેલની છૂટક કિંમત 46 ટકા વધીને 175 રૂપિયા પ્રતિ કિલો થઈ છે જે એક વર્ષ પહેલા 120 રૂપિયા પ્રતિ કિલો હતી.
સરસવ તેલના ભાવમાં વધારો
છૂટક બજારોમાં સરસવ તેલના ભાવ 3 સપ્ટેમ્બરે 46 ટકા વધીને 175 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં 120 રૂપિયા પ્રતિ કિલો હતા. સીંગતેલનું તેલ 26.22 ટકા વધીને 180 રૂપિયા પ્રતિ કિલો થયું છે. એક વર્ષ પહેલા તે 142.6 રૂપિયા પ્રતિ કિલો હતી. સચિવે જણાવ્યું હતું કે, “સરસવનું ઉત્પાદન વધ્યું હોવા છતાં અન્ય ખાદ્ય તેલોથી સંકેતો લઈને ભાવ વધ્યા છે.”
ભારતની મોટી ચિંતા
SAFTA કરાર હેઠળ નેપાળ અને બાંગ્લાદેશ મારફતે અહીં ત્રીજા દેશમાંથી તેલ લાવવા અંગે તેમણે કહ્યું, “આ ચિંતા ઉભી કરવામાં આવી છે અને બંને દેશો સાથે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.” સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (SEA)ના આંકડા અનુસાર, દેશમાં નવેમ્બર 2020 થી જુલાઈ 2021 વચ્ચે 93,70,147 ટન ખાદ્ય તેલની આયાત કરવામાં આવી છે.
Published On - 9:11 am, Sat, 4 September 21