
ભારત કૃષિપ્રધાન દેશ છે અને મોટા પાયા પર ખેતી કરવામાં આવે છે. ભારતના GDP માં કૃષિ ક્ષેત્રનું યોગદાન 20 ટકા જેટલું છે અને અંદાજે કુલ વસ્તીના 40 ટકા લોકો વસ્તી ખેતી સાથે જોડાયેલા છે. તેમ છતાં છેલ્લા કેટલાક વર્ષોમાં કૃષિ ક્ષેત્રના વિકાસ દરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રના વિકાસને લગતા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ બીજા ક્વાર્ટરમાં કૃષિ વૃદ્ધિનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.
ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે કૃષિ ક્ષેત્રના વિકાસ દરમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ દર 3.5 ટકાથી ઘટીને 1.2 ટકા થયો છે. આ વર્ષના વિકાસ દરમાં ઘટાડાનું મુખ્ય કારણ ચોમાસુ હોવાનું કહેવાય છે. ચોમાસાની સ્થિતિને કારણે પાકનું વાવેતર અને સિંચાઈને ઘણી અસર થઈ છે. ખરીફ પાકની વાવેતર સામાન્ય રીતે જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન થાય છે, પરંતુ 2023માં ચોમાસામાં વિલંબ થવાને કારણે કૃષિ ક્ષેત્રમાં નુકસાન થયું છે.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા મૂજબ ઓછા વરસાદને કારણે ઓક્ટોબર 2023-24ની ખરીફ સિઝનની ઉપજને અસર થઈ છે. સાથે જ કેન્દ્ર સરકાર પણ ચોમાસાના કારણે થયેલા નુકસાનને ઘટાડવા માટે અનેક પ્રયત્નો કરી રહી છે.
આ પણ વાંચો : નવસારી વીડિયો : ખેડૂતોને સતાવી રહી છે શ્રમજીવીઓની અછતની ચિંતા, ખેતીવાડી અને ઉદ્યોગો પર જોવા મળી અસર
કોવિડ મહામારી દરમિયાન એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારતનો GDP 23.9 ટકા ઘટ્યો હતો, ત્યારે કૃષિ ક્ષેત્રનો વિકાસ દર 3.4 ટકા હતો. કોરોના સમયગાળા દરમિયાન કૃષિ સિવાયના અન્ય તમામ ક્ષેત્રોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારબાદ 3 વર્ષ પછી આ સ્થિતિ બદલાઈ છે અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ જોવા મળી રહ્યો છે, ત્યારે કૃષિ ક્ષેત્રમાં ઘટાડો આવ્યો છે.