
પોલીસની અત્યાર સુધીની તપાસમાં એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે છબીલ પટેલે જ જયંતી ભાનુશાળીની હત્યા કરાવી હતી, પરંતુ શું આપ જાણો છો કે છબીલ પટેલ ભાનુશાળીની હત્યા કરાવવા કેમ મજબૂર થઈ ગયો ? સૂત્રોના જણાવ્યા મુજબ જયંતી ભાનુશાળી છબીલ પટેલ સામે દુષ્કર્મની ફરિયાદોની જાળ વણી રહ્યા હતાં અને એટલે જ છબીલ પટેલે જયંતીને રસ્તા પરથી હટાવી દેવા મજબૂર બનવું પડ્યું.
સૂત્રોએ જણાવ્યું કે છબીલ પટેલે દિલ્હીમાં તેની વિરુદ્ધ નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદમાં આગોતરા જામીન મેળવી લીધા હતા, પરંતુ આ દરમિયાન છબીલ પટેલને ખબર પડી કે જયંતી ભાનુશાળી અનેક મહિલાઓને છબીલ પટેલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા માટે તૈયાર કરી રહ્યા છે. છબીલ આ વાતથી ડરી ગયો અને તેણે જયંતીને કાયમ માટે શાંત કરી દેવાની ઠાની લીધી.
આ તરફ જયંતી ભાનુશાળી પોતાની સામે સુરતની યુવતીએ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદના કેસમાં છબીલ પટેલનો હાથ હોવાનું માની રહ્યા હતાં. જોકે ત્યાર બાદ બંને વચ્ચે સમાધાન થઈ ગયુ હતું, પરંતુ થોડાક જ દિવસ બાદ છબીલ પટેલ સામે દિલ્હીમાં ફરિયાદ થઈ. છબીલનો દાવો હતો કે દુષ્કર્મની જે તારીખ ફરિયાદમાં છે, તે દિવસે તે તેની દીકરીના જન્મ દિવસના કારણે ગુજરાતમાં હતો, દિલ્હી ગયો જ નહોતો. દિલ્હી કોર્ટે આ પુરાવાને ધ્યાનમાં લઈ છબીલને જામીન આપી દીધા હતાં.
દિલ્હીની કોર્ટમાંથી જામીન મળ્યા બાદ છબીલ હજી હાશકારો અનુભવે, તે પહેલા જ તેને ખબર પડી કે ફરીદાબાદની એક મહિલાને જયંતીએ પૈસા આપી દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા તૈયાર કરી છે. જયંતીએ ભુજની એક મહિલાને પણ તૈયાર કરી છે. છબીલ અને ભુજની આ મહિલા વચ્ચે બેઠક થઈ હતી કે જેમાં મહિલાએ જયંતીએ તૈયાર કરેલી ફરિયાદની નકલ પણ દાખવી હતી. જયંતીએ આ મહિલાને કહ્યુ હતું કે જો તે છબીલ સામે ફરિયાદ નોંધાવશે, તો તેઓ તેને સારી રકમ આપશે.
આ બધુ જોતા છબીલ પટેલને લાગવા લાગ્યુ હતું કે જયંતી તેનું જીવવું હરામ કરી દેશે અને એટલે જ તેણે જયંતી ભાનુશાળીની હત્યા કરાવવાનું નક્કી કરી લીધું.
[yop_poll id=1298]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 5:26 am, Mon, 11 February 19