ધર્માંતરણ કેસમાં મોટા સમાચાર : વિદેશથી મોકલાયા લાખો રૂપિયા, વડોદરા SOGએ 27 લાખ રૂપિયા કબ્જે કર્યા

Conversion Case : વડોદરાને અડીને આવેલા ભરૂચના જંબુસર ખાતે કેટલાક અંતરિયાળ ગામડાઓમાં મોટી રકમ મોકલવામાં આવી હોવાના પુરાવાઓ મળ્યા બાદ SOGએ તપાસ તેજ કરી હતી.

ધર્માંતરણ કેસમાં મોટા સમાચાર :  વિદેશથી મોકલાયા લાખો રૂપિયા, વડોદરા  SOGએ  27 લાખ રૂપિયા કબ્જે કર્યા
Vadodara Conversion Case
| Edited By: | Updated on: Dec 05, 2021 | 7:50 PM

VADODARA : ઉત્તરપ્રદેશ અને વડોદરાના ચકચારી ધર્માંતરણ અને હવાલા કૌભાંડ કેસમાં તપાસ કરી રહેલી SOGની ટીમને વધુ એક મોટી સફળતા મળી છે. ધર્માંતરણ અને હવાલા કૌભાંડમાં SOGએ ભરૂચના જંબુસર ખાતેથી 27 લાખ રૂપિયા કબ્જે કર્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આફમી ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખ દ્વારા આ નાણા આપવામાં આવ્યાં હતા. સલાઉદ્દીન શેખે મોહંમદ અજવદ અહમદ ખાનીયાને 27 લાખ રૂપિયા આપ્યા હતા.

ચાર્જશીટ ફાઈલ કર્યા બાદ પણ તપાસ
આ અંગે પ્રાપ્ત થતી માહિતી મૂજબ ધર્માંતરણ અને હવાલા કૌભાંડ કેસમાં તપાસ કરી રહેલી SOG પોલીસને જાણવા મળ્યું હતું કે UKથી અબ્દુલ્લા ફેફડાવાલાએ મોટી રકમ મોકલી છે. આ વિગતોને આધારે લાંબા સમયથી વડોદરા SOG અને SITની ટીમ લાંબા સમયથી તપાસ કરી રહી હતી. આ કેસમાં ચાર્જશીટ ફાઈલ કર્યા બાદ પણ આ કેસમાં નાણાકીય લેવડ-દેવડ અંગે તપાસ શરૂ છે. આ તપાસ દરમિયાન આ કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.

આ ગામડાઓમાં મોટી રકમ મોકલાઈ
વડોદરાને અડીને આવેલા ભરૂચના જંબુસર ખાતે કેટલાક અંતરિયાળ ગામડાઓમાં મોટી રકમ મોકલવામાં આવી હોવાના પુરાવાઓ મળ્યા બાદ SOGએ તપાસ તેજ કરી હતી. જંબુસરના અંતરિયાળ ગામડાઓમાં લાખો રૂપિયાની રકમ પહોચાડવામાં આવી હતી. જેમાં ભરૂચના ઇખર, આછોદ અને છોટાઉદેપુરના નસવાડીની કેટલીક વ્યક્તિઓને લાખોની રકમ આપવામાં આવી હોવાના પુરાવાઓ હાથમાં લાગ્યા હતા.

27 લાખની રોકડ રકમ જપ્ત
આમાં સૌથી મોટી રકમ જંબુસરના અલ મહેમુદ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અજમદ અહેમદ ખાનીયાને 6 લાખ 70 હજાર રૂપિયા ચેકથી અને 27 લાખ જેટલી રોકડ રકમ આપી હોવાના પુરાવાઓ હાથ લાગ્યા હતા. લાંબા સમયથી આ મામલે તપાસ કર્યા બાદ વડોદરા SOGની ટીમ દ્વારા આજે 5 ડીસેમ્બરના રોજ આ રકમ કબજે કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં અન્ય વ્યક્તિઓને જે રકમ મોકલવામાં આવી હતી તે વ્યક્તિઓ પાસેથી પણ નાણા રીકવર કરવાની શરૂઆત કરવામાં આવી છે.

1800 પાનની ચાર્જશીટ દાખલ કરાઈ છે
ઉલ્લેખનીય છે કે વડોદરામાં ધર્માંતરણ અને હવાલાકાંડમાં વડોદરા SOGએ ગત નવેમ્બર મહિનામાં કોર્ટમાં 1800 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં સલાઉદ્દીન શેખ, ઉંમર ગૌતમ, મોહંમદ હુસૈન મન્સૂરી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તેમજ NRI અબ્દુલ્લા ફેફડાંવાલા અને મુસ્તુફા સૈફ થાનાવાલાને આરોપી તરીકે દર્શાવામાં આવ્યા છે.

આ ચાર્જશીટમાં ઉત્તરપ્રદેશ ATSની તપાસ દરમિયાન ધર્માંતરણની પ્રવુતિ માટે વડોદરાના આફમી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સલાઉદ્દીન જૈનુદિન શેખ ફંડીંગ કરતો હોવાનું જણાઇ આવેલ છે. તેમજ ત્યારબાદ વડોદરા શહેર SOG પોલીસને મળેલ ગુપ્ત ઇનપુટ આધારે તપાસ કરી જરૂરી પુરાવા મેળવી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : VADODARA : સાવલીની સગીરા પર દુષ્કર્મ કરનાર વિધર્મી યુવકને LCBએ ઝડપી પાડ્યો