AHMEDABAD : ઘાટલોડિયામાં ડબલ મર્ડર કેસમાં ઝારખંડથી બે આરોપીઓની અટકાયત

|

Nov 08, 2021 | 2:59 PM

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં પારસમણિ ફ્લેટમાં ધનતેરસની સાંજે આ હત્યા થઈ છે. સાંજે ઘરમાં વૃદ્ધ દંપત્તિ એકલા હતા ત્યારે ઘરમાં ઘૂસી ગળું કાપી તેમની હત્યા કરવામાં આવી હતી.

AHMEDABAD : અમદાવાદના ઘાટલોડિયામાં ડબલ મર્ડર કેસના તાર છેક ઝારખંડ સુધી પહોંચ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝારખંડના ખૂંટી ગામના બે શખ્સોની અટકાયત કરી છે. સાથે જ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝારખંડ પોલીસનો પણ સંપર્ક કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બન્ને આરોપી ત્રણ ચાર માહિનાથી ઘાટલોડિયામાં રહેવા આવ્યા હતા. હાલ આરોપી નક્સલી પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે. આરોપીને પકડવાના સમગ્ર ઓપરેશમાં ક્રાઇમ બ્રાન્ચની કુલ 12 ટીમ કામે લાગી હતી. એક ટીમ રોજના 40થી વધુ લોકોની પૂછપરછ કરતી હતી ત્યારે રોજ 50થી વધુ CCTVની પણ તપાસ કરવામાં આવતી હતી. હાલ ક્રાઇમ બ્રાંચ બન્ને આરોપીના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં પારસમણિ ફ્લેટમાં ધનતેરસની સાંજે આ હત્યા થઈ છે. સાંજે ઘરમાં વૃદ્ધ દંપત્તિ એકલા હતા ત્યારે ઘરમાં ઘૂસી ગળું કાપી તેમની હત્યા કરવામાં આવી હતી. લૂંટના ઇરાદે ઘરમાં ઘૂસી આવેલા લુટારાઓ દંપત્તિની હત્યા કરી ઘરમાંથી લૂંટ કરી ફરાર થઈ ગયા હોવાનું પ્રાથમિક અનુમાન હતું. જોકે લૂંટમાં કેટલો મુદ્દામાલ ગયો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી. આ દંપત્તિના બેમાંથી એક દીકરાનું બીમારીને કારણે અવસાન થયું હતું. જ્યારે બીજો દીકરો તેના પરિવાર સાથે અડાલજની પાર્શ્વનાથ ટાઉનશિપમાં રહે છે.

હત્યાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસ તેમ જ ઉચ્ચ અધિકારીઓ આવી પહોંચ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ધારદાર હથિયારથી હુમલો કરી વૃદ્ધ દંપત્તિની હત્યા કરવામાં આવી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે બેડરૂમની તિજોરીનાં તાળાં તૂટેલા હતા. જેથી લૂટારા દાગીના, રોકડ સહિતની કેટલી મત્તા લઈ ગયા હોવાની શક્યતા છે. તપાસ દરમ્યાન ઘરમાંથી એકેય મોબાઇલ ફોન મળી આવ્યો ન હતો. તપાસમાં સામે આવ્યું છે કે દંપત્તિ મોબાઇલ ફોન વાપરતા જ ન હતા, તેના બદલે લેન્ડલાઇન ફોનનો ઉપયોગ કરતા હતા.

આ પણ વાંચો : ચાર દિવસમાં એક જ આરોપીએ બે બાળકીનો બળાત્કાર કર્યો, દેશી દારૂ પીને સાયકોએ બાળકીઓને હવસનો શિકાર બનાવી

Published On - 2:57 pm, Mon, 8 November 21

Next Video