Surat : ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા, તે માત્ર નામની રહી જવા પામી હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતના અનેક નાના મોટા શહેરોમાં દારુનુ ચોરીછુપે વેચાણ થઈ રહ્યું છે. દારુનો જથ્થો જે તે સ્થળે પહોચાડવા માટે દારૂની હેરાફેરી અવનવી રીતે થતી જોવા મળે છે. પોલીસ દ્વારા દારૂની હેરાફેરી રોકવા માટે સતત કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ દારુના ધંધા સાથે સંકળાયેલા દારુ લાવવા લઈ જવા માટે અવનવા નુસ્ખા અપનાવે છે.
પરંતુ આ નવા-નવા નુસખા પોલીસ પાસે બહુ લાંબો સમય ચાલતા નથી. સુરત પીસીબી (Surat PCB) દ્વારા બાતમીના આધારે ડીંડોલી વિસ્તારમાંથી એક પિકઅપ વાનની તપાસ હાથ ધરી હતી. પીકઅપ વાનમાં ચોર ખાનું બનાવીને વિદેશી દારૂ લાવી સુરતમાં વેચવાના હતા તે પહેલાં જ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે પકડી પાડી પીકઅપ વાનના ડ્રાઈવર સહિત બે ની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાતના દક્ષિણ ગુજરાત દારૂની હેરાફેરી માટે જાણીતું છે. ત્યારે સુરતમાં પણ અનેકવાર મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાઇ ચુક્યો છે. ત્યારે સુરત પીસીબીના માણસોને માહિતી મળી હતી કે કેટલાક ઈસમો વિદેશી દારૂ પોલિસથી બચવા માટે અને તે પણ રાત્રીના સમયે એક પિકઅપ વાનમાં વિદેશી દારૂ લાવી રહ્યા છે. તે માહિતીના આધારે પીસીબીની ટિમ દ્વારા વોચ રાખવામાં આવી હતી. વોચ દરમિયાન પુણા કુંભરીયા મેઈન રોડ પર વોચને આધારે GJ 6 T 3203 નંબરની પિકઅપવાનને રોકી પહેલા તો તપાસ કરી હતી.
તપાસ દરમિયાન પહેલા તો પીકઅપ વાનની અંદર કાપડનો જથ્થો મળી આવ્યો હતો. બાદમાં પોલીસ મુંઝવણમાં મુકાઈ કે આ ટેમ્પોમાં તો દારૂનો જથ્થો હતો તે ગયો ક્યાં ? બાદમાં ડ્રાઈવરની પૂછપરછ કરતા હકીકત જાણવા મળી કે પીકઅપ વાનમાં એક ચોર ખાનું બનવામાં આવ્યું છે. જેની અંદર વિદેશી દારૂ રાખવામાં આવ્યો છે. આ ચોરખાનાની તપાસ કરતા પોલીસ દ્વારા કુલ વિદેશી દારૂની 1680 બોટલો જેની કિંમત કુલ રૂપિયા 1 લાખ 68 હજાર કબ્જે કરવામાં આવી હતી.
પોલીસે દારૂ સાથે પીકઅપ વાન અને બે આરોપીની ધરપકડ કરી છે. તો આ મામલે બે ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જે લોકોએ દારૂ મહારાષ્ટ્રથી મંગાવ્યો હતો જેમાં વિજય પાટીલ અને રવિ જાહેરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સુરતમાં આવી રીતે ચોરી છીપે દારૂની હેરાફેરી કરી સુરત શહેરમાં દારૂનો જથ્થો લાવતા હોય છે.