Surat: સુરતના પુણા વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા મોબાઇલની દુકાનમાં ત્રાટકેલા લૂંટારૂઓએ દુકાનદારને તમંચો બતાવી 30 હજારની લૂંટ (Robbery) ચલાવી હતી. જે મામલે પોલીસે હાલ 5 લૂંટારૂઓને મુંબઇથી ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 15 હજાર રોકડા અને બે તમંચા પણ કબજે કરી લીધાં છે. પુણા પોલીસ (Police) પાસેથી મળતી માહિતી અનુસાર પુણાના વલ્લભનગર સોસાયટીમાં રહેતો રાહુલ પુરણભાઈ બઘેલ મોબાઇલનો વેપાર કરે છે. વલ્લભનગર પાસે શિવાજીનગરમાં તેની મોબાઇલની દુકાન છે. પાંચમી ફેબ્રુઆરીની રાત્રે દુકાન બંધ કરવાના સમયે રાહુલ બઘેલ દુકાનનું શટર પાડીને અંદર તેના મિત્ર અજય સાથે બેસીને વેપારના રૂપિયાનો હિસાબ રહી રહ્યા હતો. તે સમયે અચાનક ત્રણ લૂંટારૂઓ દુકાનમાં ત્રાટક્યા હતા.
લૂંટારૂઓની (Robbers) પાસે પાઈપ અને તમંચા હતા. લૂંટારૂઓએ દુકાનદારને તમંચો બતાવીને તમામ પૈસા આપી દેવા કહ્યું. જે બાદ ગભરાઈને માલીકે 30 હજાર રૂપિયા આપી દીધા હતા. જોકે લૂંટને અંજામ આપ્યા બાદ લૂંટારૂઓ જે બાઇક પર આવ્યા હતા તે બાઇકથી સ્લીપ થઇ જતાં તેઓ બાઇકને ત્યાં જ છોડીને જતાં રહ્યા હતા. 30 હજારની લૂંટ મામલે 6 ફેબ્રુઆરીની સાંજે દુકાનદાર રાહુલે લૂંટારૂઓ વિરુદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બનાવની ગંભીરતાને જોઈને પુણા પીઆઇ વી.યુ.ગડરીયાએ પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પુણા પીએસઆઇ ડી.બી.જેબલિયાને બાતમી મળી હતી કે, લૂંટ રાજુ, શમસુદ્દીન, બિપીન અને રાજને કરી છે. આ લૂંટારૂઓ હાલમાં નવી મુંબઈમાં સંતાયા છે. પીઆઇ ગડરીયાએ તાત્કાલિક એક ટીમ નવી મુંબઈ મોકલી હતી. ત્યાંના તુર્ભે વિસ્તારમાં આવેલ ચિંતામણી બિલ્ડિંગમાંથી રાજન પલટન સહાની, રાજુ સુરેનાથ ગોસ્વામી, બિપીન ઉર્ફ બીટ્ટુ રામસાગર સહાની અને શમ્સુદ્દીન કમરૂદ્દીન અન્સારી અને નાગનાથ દયાનંદ મુળેકર નામના આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પુણા પોલીસે આરોપીઓ પાસેથી બે તમંચા, ચાર કારતુસ, રોકડા 15 હજાર રૂપિયા અને ચાર ફોન મળીને કુલ 71200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પુણા પોલીસને બાતમી મળી તે 30 હજાર રૂપિયાની લૂંટ કરનારા નવી મુંબઈમાં સંતાયા છે. તેમની પાસે હથિયાર હોવાની સંભાવના હતી. તેથી પુણા પોલીસના સાતેક જણાની ટીમ હથિયાર સાથે નવી મુંબઈ ગઈ હતી.
ત્યાં સ્થાનિક પોલીસને તમામ હકિકત જણાવી હતી. ત્યારે સ્થાનિક પોલીસની ટીમે પણ હથિયાર સાથે પુણા પોલીસ સાથે જોડાઈને જે બિલ્ડિંગમાં લૂંટારૂઓ છુપાયા હતા ત્યારે ઘેરો ઘાલ્યો હતો. પોલીસે ફિલ્મી ઢબે આરોપીઓને ચેતાવણી આપીને તેમને સરેન્ડર થવાનું કહેતા લૂંટારૂઓ ગભરાઈ ગયા હતા અને તેમને ઝડપી લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારની દારૂની નીતિ સામે અવાજ ઉઠાવશે અન્ના હજારે, 14 ફેબ્રુઆરીથી શરૂ કરશે ભૂખ હડતાળ