Surat: 11 વર્ષ પહેલાં ડુમસ ચોપાટીની ઝાડીમાં બેઠેલા યુવતિ તથા તેના ફિયોન્સે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ગેંગરેપ (Gang rape) આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. દુષ્કર્મ બાદ આરોપીઓએ લુંટ પણ ચલાવી હતી. આ કેસમાં ફરાર થયેલા વધુ બે આરોપીને ઉમરા પોલીસે ઝડપી લીધા હતા. બાદમાં આ આરોપીઓને એડીશ્નલ સેશન્સ જજ અમૃત્ત એચ. ધમાણીએ તમામ ગુનામાં દોષી ઠેરવી દુષ્કર્મના ગુનામાં આજીવન કેદ અને 50 હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ ત્રણ વર્ષની સખ્તકેદની સજા ફટકારી છે.
સુરતના ડુમસ ચોપાટી વન વિભાગની ઝાડીમાં સિમેન્ટના બાંકડા પર વર્ષ 2011માં 28-10-2011ના રોજ ભોગ બનનાર તથા તેનો ફિયોન્સે બેઠા હતા. ત્યારે આરોપી કનૈયા વાલ્મિકી સિંગ, ભુમિહારરાજકુમાર ઉર્ફે મુથુલ ઉર્ફે કુદો, શ્યામલી સિંહ ભુમિહાર , જીતેન્દ્રકુમાર ઉર્ફે રાજુ મધુસુદનસિંગ ભુમિહાર, કમલનયન સિંગ ક્રિષ્ણાનંદસિંગ ભુમિહારે મળીને યુવતીને ઢોર માર માર્યો હતો. સાથે તેના ફિયોન્સેને પણ જમીન પર ધક્કો મારી હાથ-પગ બાંધી માર માર્યો હતો. જો અવાજ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બાદમાં ચારેય જણાયે યુવતી પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું.
દુષ્કર્મ બાદ સોનાની ચેઇન, મોબાઇલ, કાંડા ઘડિયાળ અને રોકડા મળી 14,800ની મત્તા લૂંટી ફરાર થઇ ગયા હતા. યુવતીની ફરિયાદના આધારે ઉમરા પોલીસે ગેંગરેપ, લૂંટનો ગુનો નોંધી બે આરોપી જીતેન્દ્રકુમાર ઉર્ફે રાજુ તથા કમલનયનસિંગ ભુમિહારને ઝડપી લીધા હતા. બંને આરોપીને જુલાઈ-2013માં તત્કાલીન પ્રિન્સીપલ સેશન્સ જજે દોષી ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે આ કેસના ફરાર આરોપી કનૈયા ભુમિહાર તથા રાજકુમાર ઉર્ફે મુથુલ ભુમિહાર વર્ષ 2018માં ઝડપાતા તેમની વિરુધ્ધ અલગથી ચાર્જશીટ કરી કેસ કાર્યવાહી હાથ ધરાઇ હતી. અગિયાર વર્ષ જુના ચકચારી ગેંગરેપ કેસમાં સરકાર પક્ષે એપીપી જીતેન્દ્ર પારડીવાલાએ કુલ 39 જેટલા સાક્ષીઓ તથા 33 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા.
અંતિમ સુનાવણી બાદ કોર્ટે છેલ્લાં 27 મહીનાથી જેલવાસ ભોગવતા બંને આરોપીઓને ઈપીકો-376,(2)(જી), 394, 342, 323, 324 તથા 114એમ તમામ ગુનામાં દોષી ઠેરવી ગેંગરેપ બદલ જીવે ત્યાં સુધી આજીવન કેદ તથા 50 હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે ભોગ બનનારને 50 હજારનું વળતર ચુકવવા હુકમ કર્યો છે.
ગેંગરેપ કેસમાં આરોપીના બચાવપક્ષે સજામાં રહેમ રાખવા માંગ કરી જણાવ્યું હતું કે, આરોપી રાજકુમારને 11 વર્ષની દીકરી છે. માતા પિતા ગુજરી ગયા હોવા ઉપરાંત સાસુ સસરા બિમાર છે. આરોપીના ઘરમાં કોઈ કમાનાર ન હોઈ પરિવાર રઝળી પડે તેમ છે. જેલમાં આરોપીની વર્તણુંક સારી છે. શારીરિક ક્ષમતા કસોટીમાં મેડલ મળ્યો હોઈ જેલ સુધારના પ્રથમ પગથિયું ચડી રહ્યા છે. જેના વિરોધમાં સરકારપક્ષે જણાવ્યું હતું કે, આરોપીઓએ સામુહિક દુષ્કર્મ ગુજારીને ભોગ બનનારે બાકીની જિંદગીમાં કાયમી ઘાવ આપ્યા છે. કૃત્યના કારણે ભોગ બનનારને નગ્નાવસ્થામાં જાહેર રોડ પર આવીને બેસી રહેવું પડયું છે. જેથી તેની શારીરિક અને માનસિક યાતનાનું વળતર આપવું જોઇએ.
કોર્ટે સજામાં રહેમની માંગને નકારી કાઢી જણાવ્યું હતું કે, કોઈ યુવતિ પર સામુહિક દુષ્કર્મ કરી પોતાની જાતીયવૃત્તિ સંતોષવી આ પ્રકારની અધમતા અને રાક્ષસીવૃત્તિ છે. તેનાથી વધુ શરમજનક કૃત્ય કોઈ હોઈ શકે નહીં. આવા ગુનાનું વધતુ જતું પ્રમાણ ભદ્ર સમાજ અને માનવતા માટે ખતરાની ઘંટડી સમાન છે. કાયદાના ઘડવૈયાઓએ એટલે જ નિર્ભયા ગેંગરેપ કેસ બાદ આરોપીઓને કડકમાં કડક સજા કરવા કાયદામાં સુધારો કર્યો છે. જેનો હેતુ જાતીય ગુનાખોરી ડામવા માટેનો છે.
આ પણ વાંચો: BSF Group B Recruitment 2022: BSFમાં સબ-ઇન્સ્પેક્ટર સહિતની ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો