સરકાર દ્વારા એક તરફ ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતો કરવામાં આવે છે. ત્યાં જ બીજી તરફ સરકારી વિભાગોમાં જ ભ્રષ્ટાચાર કેટલું ઘર કરી ગયો છે તે દર્શાવતો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં સુરતના નાનપુરા બહુમાળી બિલ્ડીંગમાં ફરજ બજાવતા નાયબ વેરા કમિશનર લાંચ લેતા પકડાયા છે. તેમની સાથે અન્ય 3 વ્યક્તિઓની પણ અટકાયત કરવામાં આવી છે.
ભાગીદારી પેઢી ધરાવતા એક ફરિયાદીએ વર્ષ 2015-16ના જીએસટી રિટર્ન ભર્યા ન હતા. જેથી જીએસટી વિભાગ દ્વારા નિયમ પ્રમાણે તેમનો જીએસટી નંબર બંધ કરી દેવામાં આવ્યો હતો. ફરિયાદીએ પોતાનો જૂનો જીએસટી નંબર ફરી શરૂ કરવા માટે નાનપુરા બહુમાળી બિલ્ડીંગમાં નાયબ રાજ્ય વેરા કમિશનર નરસિંહ પાંડોરનો સંપર્ક કર્યો હતો. જેમણે તેમના ઓળખીતા અન્ય એક વકીલ અને ટેક્સ કન્સલ્ટન્ટનું કામ કરતા કિશોર પટેલને મળીને તેમનું નામ આપીને જીએસટી નંબર ચાલુ કરવા ફાઇલ તૈયાર કરવા જણાવ્યું હતું.
એટલું જ નહીં તેના માટે તેઓએ રૂ.2 લાખની લાંચની માંગણી પણ કરી હતી. ફરિયાદીએ તે સમયે વકીલને 50 હજાર રૂપિયા આપ્યા હતા. અને બાકીના દોઢ લાખ રૂપિયા ઓછું કરવાનું કહેતા સોદો 1 લાખ ફુપિયામાં નક્કી કરી જીએસટી નંબર શરૂ કરવાનું નક્કી કર્યું હતું.
જોકે તે બાદ ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીની ટીમ દ્વારા છટકું ગોઠવીને નાયબ રાજ્ય વેરા કમિશનર, ટેક્સ કન્સલ્ટન્ટ અને વકીલ સહિત અન્ય બે આરોપી ધર્મેશ ગોસ્વામી અને વિનય પટેલની પણ ધરપકડ કરી હતી.
એસીબીની ટીમે આરોપીઓ પાસેથી તેમણે લીધેલી 1 લાખ રૂપિયાની લાંચની રકમ પણ કબ્જે કરી છે. આમ, સરકારી કામ કરાવવા માટે નીચલા કર્મચારીથી લઈને ઉપલા અધિકારીઓ સુધી ભ્રષ્ટાચાર કેટલી હદે વ્યાપક છે તે ફરી એકવાર સાબિત થયું છે.
આ પણ વાંચો : BHAVNAGAR : શહેર અને જિલ્લામાં રોગચાળામાં વધારો, સરટી હોસ્પિટલના કેમ્પસમાંથી ડેન્ગ્યુના 20 કેસો મળ્યા