Rajkot: એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કર્યુ સગીરાનું અપહરણ, પોલીસે ગણતરીના કલાકોમાં તેને મુક્ત કરાવી

Rajkot News: બનાવની વિગત એવી છે કે સગીરા અને તેનો પરિવાર તેના ઘરે હતો ત્યારે મોડી રાત્રે 6 શખ્સોએ 3 બાઈક પર આવી સગીરાના પિતાને અપશબ્દો કહી લાકડીઓ વડે માર મારી સગીરાનું અપહરણ કરી નાસી છૂટયા હતા.

Rajkot: એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કર્યુ સગીરાનું અપહરણ, પોલીસે ગણતરીના કલાકોમાં તેને મુક્ત કરાવી
રાજકોટમાં સગીરાનું અપહરણ કરનારા આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા
| Edited By: | Updated on: Dec 13, 2022 | 1:22 PM

રાજકોટમાં દિવસે દિવસે ગુનાખોરીમાં વધારો થતો જઇ રહ્યો છે. કોઠારિયા-ખોખડદળ રોડ પરથી મોડી રાત્રે સગીરાના થયેલા અપહરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડયા છે અને સગીરાને સલામત તેના માતા-પિતાને સોંપી છે. પોલીસે 6 શખ્સોની ધરપકડ કરી છે. આરોપીએ એક તરફી પ્રેમમાં તેના મિત્રો સાથે મળીને સગીરાના પિતાને માર મારી સગીરાનું અપહરણ કર્યું હતું. જેમાં પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડયા છે.

સમગ્ર બનાવની વિગત એવી છે કે સગીરા અને તેનો પરિવાર તેના ઘરે હતો ત્યારે મોડી રાત્રે 6 શખ્સોએ 3 બાઈક પર આવી સગીરાના પિતાને અપશબ્દો કહી લાકડીઓ વડે માર મારી સગીરાનું અપહરણ કરી નાસી છૂટયા હતા. સમગ્ર મામલે સગીરાના પિતાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચ પણ હરકતમાં આવી હતી. પોલીસ આરોપીઓને ઝડપી પાડવા સતત પ્રયત્નશીલ હતી. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળતા ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને સગીરાને સલામત રીતે છોડાવી તેના માતા પિતાને સોંપી હતી. આ કેસનો મુખ્ય આરોપી સોહન પવાર હોવાનું સામે આવ્યુ છે. જે મજૂરી કામ કરે છે અને અન્ય 5 આરોપીઓ પણ ખેત મજૂરી અને મજૂરી કામ સાથે જોડાયેલા છે.

આ રીતે કર્યું અપહરણનું પ્લાનિંગ

મુખ્ય આરોપી સોહન પવાર છેલ્લા 6 મહિનાથી સગીરાને રોજ પીછો કરતો હતો અને તે સગીરાના એક તરફી પ્રેમમાં હતો. જેથી તેણે સગીરાનું અપહરણ કરીને મધ્યપ્રદેશ તેના વતનમાં ભગાડી જવાનો પ્લાન કર્યો હતો. તેણે તેના મિત્રોને આ પ્લાન વિશે જણાવતાં તેઓ મદદ કરવા માટે તૈયાર થયા હતા અને સમગ્ર ગુનાને અંજામ આપ્યો હતો. રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં આરોપી સોહન અને કમલેશ સગીરાનું અપહરણ કરવા ગયા હતા. અન્ય આરોપીઓ ઘરની બહાર ધ્યાન રાખતા હતા. તે દરમિયાન સગીરાના પિતા જાગી જતા આરોપીઓએ સગીરાના પિતાને લાકડી વડે ઢોર માર માર્યો હતો અને સગીરાનું અપહરણ કરી ફરાર થઇ ગયા હતા.

પોલીસે સોહન પવાર(મુખ્ય આરોપી) અને તેને મદદ કરનાર કમલેશ ભુરીયા,કૈલાશ અમલિયાર, કમલ અજનારિયા, રાજુ ભુરીયા અને છોટુ અમલીયાર નામના આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની સામે પોલીસે અપહરણ અને મારામારીના ગુના હેઠળની કલમ દાખલ કરી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Published On - 1:19 pm, Tue, 13 December 22