કર્ણાટકમાં ચાલી રહેલ હિજાબનો વિવાદ (Karnataka Hijab Row) હવે હત્યા સુધી પહોંચી ગયો છે. જાણવા મળ્યું છે કે, રાજ્યના શિમોગા (Shivamogga) જિલ્લામાં બજરંગ દળના કાર્યકરની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. મૃત્યુ પામનાર કામદારનું નામ હર્ષ જણાવવામાં આવી રહ્યું છે. 26 વર્ષીય હર્ષની કથિત હત્યા બાદ શિમોગામાં સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. એટલું જ નહીં સમગ્ર વિસ્તારમાં CrPCની કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે. ગૃહમંત્રી અરગા જ્ઞાનેન્દ્રએ (Home minister Araga Jnanendra) કહ્યું કે, સાવચેતી અને સુરક્ષાના ભાગરૂપે શહેરની સીમામાં આવેલી શાળાઓ અને કોલેજો બે દિવસ બંધ રહેશે.
તેમણે આશંકા વ્યક્ત કરી છે કે, બજરંગ દળના કાર્યકરની હત્યામાં ચારથી પાંચ લોકો સામેલ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ મંત્રીને ટાંકીને કહ્યું કે, “હર્ષની હત્યા ચારથી પાંચ યુવકોના જૂથે કરી હતી. મને ખબર નથી કે આ હત્યા પાછળ કોઈ સંગઠનનો હાથ છે કે નહીં. શિમોગામાં કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં છે. અગમચેતીના ભાગરૂપે શહેરની હદમાં આવેલી તમામ શાળા-કોલેજો બે દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે.
આ ઘટના પર શિમોગા ભાજપના નેતા અને ગ્રામીણ વિકાસ મંત્રી કેએસ ઈશ્વરપ્પાએ કહ્યું કે, કાર્યકરની હત્યા કોઈ એક સમાજના ગુંડાઓએ કરી છે. તેમણે કહ્યું કે, આમાં કેટલાક કહેવાતા સમાજના લોકોનો હાથ છે. તે જ સમયે, કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું, ‘હું આ હત્યાની નિંદા કરું છું કારણ કે અમે અહિંસામાં માનીએ છીએ. હત્યામાં સંડોવાયેલા તમામ લોકોને સજા મળવી જોઈએ અને હું રાજ્યના ગૃહ પ્રધાનના રાજીનામાની માંગ કરું છું.’ ANI અહેવાલમાં જણાવાયું છે કે, શહેરના સીગેહટ્ટી વિસ્તારમાં કેટલાક બદમાશોએ અનેક વાહનોને આગ લગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, બજરંગ દળના કાર્યકરની હત્યાનો મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે રાજ્યમાં હિજાબ પ્રતિબંધનો મુદ્દો ગરમાઈ રહ્યો છે.
વાસ્તવમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થિનીઓ છેલ્લા ઘણા અઠવાડિયાથી પ્રતિબંધનો વિરોધ કરી રહી છે અને માંગ કરી રહી છે કે, તેમને શિક્ષણ પરિસરમાં હિજાબ પહેરવાની છૂટ આપવામાં આવે. તેમનું કહેવું છે કે, આ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. આ અંગે કર્ણાટક હાઈકોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે. જોકે, નિર્ણય હજુ વિચારણા હેઠળ છે. મુસ્લિમ વિદ્યાર્થીનીઓ હિજાબ પ્રતિબંધના વિરોધમાં રાજ્યભરમાં મોટા પાયે વિરોધ કરી રહી છે. જો કે રાજ્ય સરકારના આ નિર્ણયને કેટલાક વિદ્યાર્થીઓ પણ સમર્થન આપી રહ્યા છે.
આ પણ વાંચો: Tata Group ની આ કંપની 1000 નવી ભરતી કરશે, કર્મચારીઓની સંખ્યામાં મોટો વધારો થશે