Fry Frenchy : વિજય રૂપાણીનો વિડીયો બનાવનારો ઝડપાયો, સોશિયલ મીડિયામાં ખુબ થયો હતો વિડીયો વાયરલ

|

May 14, 2021 | 4:02 PM

વડોદરા ક્રાઇમ બ્રાંચ દ્વારા ગુરુવારના રોજ પ્રદિપ ભોલાનાથ કહારની અટ્કાયત કરી લેવામાં આવી છે. તેનો કોરોનાનો રિપોર્ટ આવ્યા બાદ ધરપકડની કાર્યવાહી કરાશે.

ગુજરાતના સીએમ વિજય રૂપાણી દ્વારા લોકોને સંબોધિત કરતી વખતે બોલાયેલા એક વાક્યને હાસ્યસ્પદ સ્વરૂપ આપીને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવા બદલ વડોદરા પોલીસે એક વ્યક્તિની અટ્કાયત કરી છે.

હાલમાં સોશિયલ મીડિયામાં સીએમ રૂપાણીનો એક એડિટેડ વીડિયો ખૂબ વાયરલ થઇ ગયો છે. રૂપાણી એક સંબોધન દરમિયાન પ્રખ્યાત બર્ગર બનાવતી કંપની અને એક ફાસ્ટફૂડનું નામ ખોટું બોલી ગયા પછી તો શું લોકોએ તેના પર જબરદસ્ત મીમ બનાવવા લાગ્યા અને તેમના આ વાક્યને લઇને કોમેડી વીડિયો બનાવવામાં આવ્યા અને લોકોએ પણ આ વીડિયોને ખૂબ શેયર કર્યા.

તમને જણાવી દઇએ કે, હવે સીએમ રૂપાણીનો આ વીડિયો બનાવનાર યુવકની અટ્કાયત કરી લેવામાં આવી છે. વડોદરા ક્રાઇમ બ્રાંચ દ્વારા ગુરુવારના રોજ પ્રદિપ ભોલાનાથ કહારની અટ્કાયત કરી લેવામાં આવી છે. તેનો કોરોનાનો રિપોર્ટ આવ્યા બાદ ધરપકડની કાર્યવાહી કરાશે.

વડોદરા ક્રાઇમ બ્રાંચ દ્વારા જાહેર કરાયેલ પ્રેસ નોટ પ્રમાણે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સ્પિચમાંથી એક ટુકડો લઇને ફેક ઇલેક્ટ્રોનિક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવા બદલ એક આરોપીની અટ્કાયત કરી લેવામાં આવી છે. તેમના પર જાણતા જોગ મુખ્યમંત્રીની પ્રતિષ્ઠા અને પદને નુક્શાન પહોંચાડવાનો પ્રયત્ન કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આરોપી વડોદરાનો રહેવાસી છે અને હાલમાં તેનો કોવિડ 19 માટેનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી બનાસકાંઠાના લોકોને બટેટાના ઉત્પાદનને લઇને લોકોને સંબોધતી વખતે ભૂલથી ‘French Fries’ ની જગ્યાએ ‘Fry Frenchie’ બોલી ગયા હતા. અને ઓરોપી કહારે સ્પિચમાંથી આટલો ભાગ લઇને અંગ્રેજી સોન્ગ સાથે એડિટ કરીને વાયરલ કર્યુ હતુ અને જોત જાતામાં આ વીડિયો ખૂબ વાયરલ થઇ ગયો લાખો લોકોએ આ વીડિયો શેયર કર્યો, લોકોએ સ્ટેટસમાં આ વીડિયો મુક્યો હતો.

આ કિસ્સાથી ખબર પડે છે કે આમ કોઇ રાજકારણી અને ઉચ્ચ પદ પર રહેલા અધિકારીના નામે મજાક કરવુ કેટલુ ભારી પડી શકે છે. મજાક મજાકમાં બનાવેલો આ વીડિયો કહારને તો ભારી પડી ગયો અને હવે તેના પર ગુનો પણ નોંધાય ચૂક્યો છે. આ વાત સોશિયલ મીડિયા પર આ પ્રકારના વીડિયો બનાવતા લોકો માટે ચેતવણી સમાન છે.

Published On - 3:37 pm, Fri, 14 May 21

Next Video