Ahmedabad: નરોડા પોલીસે એક એવા ડીલીવરી બોયની ધરપકડ કરી છે કે, જે પાર્સલ લઇને આપવાનું કામ કરતો પરંતુ કેટલાક પાર્સલ બારોબાર વેચી દેવાના ઈરાદે ચોરી પણ કરતો હતો. આવા જ એક શખ્સની નરોડા પોલીસે ધરપકડ કરી કેટલોક મુદામાલ કબજે કર્યો છે. જે ઘટનાની તપાસમાં એ પણ સામે આવ્યું કે, આરોપી કંપનીમાં નોકરી પર લાગ્યાના બે દિવસમાં ચોરી કરી ફરાર થઇ ગયો હતો.
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારનો રહેવાસી અમિત શોર્ટકટથી રૂપિયા કમાવા ચોરીના રવાડે ચડયો હતો પણ તેની આ ચતુરાઈ તેને ભારે પડી અને પોલીસના હાથે ઝડપાયો છે. કેમ કે અમિત જ્યાં પણ નોકરી કરે ત્યાં હાથફેરો કરવાની ટેવ વાળો હતો. પણ નરોડમાં તેની આ ટેવ તેને જ ભારે પડી.
ઘટનાની વાત કરીએ તો તાજેતરમાં જ નરોડાની પાર્સલ ડિલિવરી કરતી એક કંપનીમાં આરોપી અમિત ચૌધરી નોકરી લાગ્યો અને બે દિવસમાં લાખ રૂપિયાના પાર્સલ લઈ ડિલિવરી માટે નીકળ્યો હતો. પરંતુ પાર્સલ ડીલીવરી સ્થળ પર નહી પહોંચતા કંપનીને શંકા ગઈ હતી. જે અંગે નરોડા પોલીસમાં 40 ઉપર પાર્સલ અને 17 હજાર રોકડ ચોરી થયાની ફરિયાદ પણ નોંધાવી અને શખ્સનો ભાંડો ફૂટી ગયો.
આરોપી અમિત ચૌધરીની પોલીસે પૂછપરછ કરતાં કેટલીક ચોંકાવનારી હકીકત પણ સામે આવી હતી. આરોપી અમિત પહેલીવાર આ પ્રકારની ચોરી કરી હોય એવું નહોતું. પરંતુ અગાઉ પણ પાર્સલ ડિલિવરી કરવાના બહાને અમિત મોબાઇલ ચોરી કરી ચૂક્યો છે.
જે અંગે પોલીસે અન્ય ગુનાઓના ભેદ ઉકેલાય તે માટે ગુના નોંધવાની શરૂઆત પણ કરી છે. તો આરોપી અમિત ચૌધરી પાસેથી પોલીસે ૩૭ જેટલા પાર્સલ રિકવર કર્યા છે. જેમાં મોબાઈલ. મોબાઈલ ના કવર અને જીન્સ પેન્ટ. શર્ટ. ઈયરફોન અને અન્ય ચીજવસ્તુ ઓ પણ કબજે કરવામાં આવી છે.
આમ પાર્સલને ડીલીવરી કરવાને બદલે બારોબાર વેચી દેવાની પેરવીમાં ચોરીના રવાડે ચઢેલો અમિત ચૌધરી ગણતરીના કલાકોમાં જ પોલીસના હાથમાં આવી ગયો હતો. પોલીસને એ પણ શંકા છે કે આરોપી ચોરી કરેલ પાર્સલ સસ્તામાં વેચી કમાણી કરતો. ત્યારે પોલીસ એ પણ તપાસમાં લાગી છે કે, આરોપી કઈ-કઈ જગ્યાએ ચોરી કરેલો મુદ્દા માલ વેચતો તેમજ અમુક પાર્સલો ડિલિવરી કર્યા બાદ તેના રોકડ રૂપિયા રિકવર કરવા નરોડા પોલીસે આરોપીના રિમાન્ડ માગી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: PNB Recruitment 2022: પંજાબ નેશનલ બેંકમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી, જલ્દી કરો અરજી