Ahmedabad: ચીન ફક્ત ભારતીય સરહદો જ નહીં હવે તો ભારતીય અર્થતંત્ર ઉપર પણ આક્રમણ કરી રહ્યું છે. ભારતમાં ચાઈનીઝ કંપનીઓ ઉભી કરી અર્થતંત્રને નુકસાન કરવાનો કારસો ચીન રચી રહ્યું છે. જેને લઈને રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ દ્વારા શહેર નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ભારતમાં કોઈપણ કંપની શરૂ કરવા માટે ભારત સરકારે બનાવેલા નિયમ મુજબ કંપનીના ડિરેકટર ભારતીય નાગરિક હોવા જરૂરી છે જેને કારણે 2 ચાઈનીઝ કંપનીઓએ અમદાવાદમાં 2 વર્ષ પહેલાં કંપની શરૂ કરી હતી. કંપની શરૂ કરતાં પહેલાં કંપનીના ડિરેકટર પદે ભારતીય નાગરિકની નિમણૂક કરી હતી જેને કારણે કંપનીનું રજિસ્ટ્રેશન શક્ય બન્યું હતું.
FCS મશીનરી ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ અને શુંગ્મા મશીનરી ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડનું રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ કંપની દ્વારા ભારતીય ડિરેકટરની હકાલપટ્ટી કરી દીધી હતી અને ત્યારબાદ કંપનીના ડિરેકટર પદે ચાઈનીઝ નાગરિકની નિમણૂક કરી દેતા હતા. જેથી કંપનીઝ એક્ટનું ઉલ્લંઘન થતું હોવાનું રજીસ્ટ્રાર ઓફ કંપનીઝને ધ્યાને આવતા નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સી.એનું એડ્રેસ આપી ઓનલાઇન રિજિસ્ટ્રેશનથી કંપનીનું સંચાલન ચાઈનીઝ ડાયરેકટરો મની લોન્ડરિંગ કરતા હોવાથી ફરિયાદ નોંધવામાં આવી.
FCS મશીનરી ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ અને શુંગ્મા મશીનરી ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ દ્વારા છેલ્લા 2 વર્ષથી ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં આવ્યું નથી. અમદાવાદમાં બનાવવામાં આવેલી આ બન્ને કંપનીઓએ આવકનો કોઈ સ્ત્રોત બતાવ્યો નથી અને આવકના સ્ત્રોત વગર પણ અસ્તિત્વ ધરાવે છે જેને કારણે રજીસ્ટ્રાર ઓફ કંપનીઝના અધિકારીઓને આ મામલે શંકા જતા ઘનિષ્ટ તપાસ કરતા અનેક ગેરરીતિઓ સામે આવી હતી. સાથે જ આ કંપનીઓ મારફતે શંકાસ્પદ નાણાકીય હેરફેર પણ થતી હોવાની શક્યતાઓ ROCના અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
જેને કારણે આ બાબતે છેતરપીંડી અને કંપનીઝ એક્ટ અંતર્ગત ફરિયાદ કરવામાં આવી છે. જેમાં સેટેલાઈટના પ્રણવ સોનીના નામે વાસણાની કંપનીમાં ચાઈનીઝ ડાયરેક્ટરો હોવાનું સામે આવ્યું હતું. એમાં ભારતીય નામ આગળ કરી ખરું સંચાલન કરીને ચાઈનીઝ ડાયરેક્ટરો આવકવેરાની ચોરી અને મની લોન્ડરિંગ કરતા હોવાની 406,420 અને 120બી કંપનીઝ એક્ટ મુજબ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
ગુજરાત સહિત દેશમાં આવી ચાઇનીઝ કંપનીઓ સામે ROCએ તપાસ અને ફરિયાદો શરૂ કરાઈ છે. જેમાં ચાર ચાઇનીઝ કંપનીઓ સામે ગુજરાત રજીસ્ટ્રાર ઓફ કંપનીની તપાસ શરૂ કરી છે. ત્યારે ભૂતકાળમાં આવી અનેક ચાઈનીઝ કંપનીઓ અને ચાઈનીઝ એપ્લિકેશન કેન્દ્ર સરકાર દ્વારા બેન કરવામાં આવી છે જો કે, હજુ પણ ચાઈનીઝ ડ્રેગન સુધરવાનું નામ લેતું નથી.
ભારતીય નાગરિકોને ઊંચી કિંમત ચૂકવી તેમના દસ્તાવેજોના આધારે કંપનીનું રજિસ્ટ્રેશન કરી દેવામાં આવે છે અને ત્યારબાદ ભારત સરકારને આર્થિક નુકસાન પહોચાડવામાં આવે છે જો કે હાલ તો આ બન્ને કંપનીઓને નોટિસ ફટકારવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: PNB Recruitment 2022: પંજાબ નેશનલ બેંકમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી, જલ્દી કરો અરજી
Published On - 3:23 pm, Sun, 9 January 22