Ahmedabad: ક્રાઇમ બ્રાંચે મ્યુકોરમાઇકોસિસ ઇન્જેકશનની કાળાબજારીનો કર્યો પર્દાફાશ, 4 આરોપીઓ ઝડપાયા

|

May 20, 2021 | 5:34 PM

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે મ્યુકોરમાઇકોસિસ ઇન્જેકશનની કાળાબજારી કરતા 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ ચારેય આરોપીઓ એક ઇન્જેકશનને 10 હજારમાં જરૂરિયાતમંદોને વેચી મારતા હતા.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે મ્યુકોરમાઇકોસિસ ઇન્જેકશનની કાળાબજારી કરતા 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ ચારેય આરોપીઓ એક ઇન્જેકશનને 10 હજારમાં જરૂરિયાતમંદોને વેચી મારતા હતા. ક્રાઇમ બ્રાંચને મળેલી બાતમીને આધારે દરોડા પાડતા ચારે આરોપીઓને 4 નંગ ઇન્જેકશન, 80 હજાર રોકડા અને મોબાઇલ મળીને કુલ 1.17 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ હાર્દિક નામના શખ્સ પાસેથી ઇન્જેકશન લાવતા હતા. ત્યારે ઇન્જેકશનના કાળાબજારીના ગોરખધંધામાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તેની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કોરોના ઘટી રહ્યો છે પરંતુ મ્યુકોરમાઈકોસિસનો કેર વધતો જઈ રહ્યો છે. ત્યારે ઈન્જેક્શનની બાબતમાં લોકો ગેરમાર્ગે ન દોરાય તે માટે સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે. દર્દીઓને સમયસર ઈન્જેક્શન મળી રહે તે માટે સરકારે સ્પષ્ટતા કરી છે. જે પ્રમાણે મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શન નક્કી કરેલી હોસ્પિટલમાંથી જ મળશે.

રાજ્યમાં કુલ 7 જિલ્લાની સરકારી હોસ્પિટલોની સરકારે યાદી જાહેર કરી છે કે જ્યાંથી મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શન મળી રહેશે. અમદાવાદમાં સોલા સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલમાંથી ઈન્જેક્શન મળશે. જે મેળવવા માટે દર્દીઓએ કેસની વિગત, દર્દીના આધાર કાર્ડની કોપી, સારવાર ચાલતી હોય તેની કોપી અને તબીબોનો ભલામણ પત્ર જોઈશે. દસ્તાવેજો ચકાસ્યા બાદ નક્કી કરેલા ભાવ પ્રમાણે ઇન્જેક્શન મળશે.

જોકે ક્યારથી મળશે તેનો પરિપત્રમાં કોઈ ઉલ્લેખ નહીં. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા અસારવા સિવિલ હોસ્પિટલમાંથી ઇન્જેક્શન મળશે તેવી ખોટી માહિતી બહાર ફરતી થઈ હતી જેના કારણે સિવિલમાં ઈન્કવાયરી વધી હતી. જેથી હવે સરકારે પરિપત્ર જાહેર કરીને જ હોસ્પિટલોની યાદી બહાર પાડી છે. જેથી લોકો ગેરમાર્ગે ન દોરાય.

Next Video