વિઝા કન્સલ્ટન્સી કૌભાંડમાં એજન્ટોની મોડ્સ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. બોગસ દસ્તાવેજ અને ડોક્યુમેન્ટ દ્વારા ગેરકાયદેસર વિદેશ મોકલતા હોવાનું સામે આવતાં વધુ એક ગુનો નોંધાયો છે. 5 જેટલી ફરિયાદ નોંધીને અત્યાર સુધીમાં 4 એજન્ટોની CID ક્રાઇમે ધરપકડ કરી છે. આ રેકેટમાં ભારત અને વિદેશના એજન્ટોનું નામ ખુલતા પોલીસે તપાસ તેજ કરી છે.
વિઝા કન્સલ્ટિંગ કૌભાડ કેસમાં CID ક્રાઇમે દીપક પટેલ અને સ્નેહલ પટેલની ધરપકડ કરી છે. આરોપીઓ આઉટ સોર્સ ઇન્ડિયા નામની ઓફિસ ખોલી ગેરકાયદેસર વિઝા પ્રોસેસ કરીને વિદેશ મોકલવાનું કૌભાંડ કરતા હતા. CID ક્રાઇમે વધુ એક વિઝા કન્સલ્ટિંગના માલિક વિરુદ્ધ ગુનો નોધીને અત્યાર સુધી 5 ગુના નોંધ્યા છે.
મહત્વનું છે કે ગેરકાયદેસર વિદેશ મોકલવાના રેકેટમાં એજન્ટની જુદી જુદી મોડ્સ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં બનાવટી માર્કશીટ અને સર્ટિફિકેટ તેમજ બેન્ક એકાઉન્ટમાં ખોટી એન્ટ્રી કરાવીને વિદેશ મોકલતા હતા. પકડાયેલ બન્ને આરોપીઓ અમદાવાદ નીરવ મેહતા, અનિલ મિશ્રા અને દિલ્હીના અમરેન્દ્ર પુરી પાસેથી બનાવટી સર્ટિફિકેટ બનાવતા હોવાનું ખુલ્યું છે.
CID ક્રાઇમ ટીમે તપાસ કરતા સામે આવ્યું છે કે, વિઝા કન્સલ્ટિંગ દ્વારા અલગ અલગ બનાવટી ડોક્યુમનેટ બનાવી વિઝાની પ્રોસેસ કરતા હોય છે. જોકે કોઈ પણ બનાવટી સર્ટિફિકેટ બનાવવા એજન્ટો 50 હજારથી 1.25 લાખ રૂપિયા લેતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. સાથે જ વિઝા પ્રોસેસિંગ કરીને 40 લાખ રૂપિયામાં વિદેશ મોકલતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ રેકેટમાં ગાંધીનગરના દીપક પટેલ, સ્નેહલ પટેલ અમદાવાદના નિરવ મહેતા એજન્ટ અનિલ મિશ્રા અને દિલ્હીના એજન્ટ અમરેન્દ્ર ઉર્ફે અમર પૂરી વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે. જ્યારે અગાઉ CID ક્રાઇમ આ કન્સલ્ટિંગ કૌભાંડમાં અલગ અલગ ગુનામાં 4 આરોપીની ધરપકડ કરી ચૂકી છે.
વિઝા કન્સલ્ટન્સી કૌભાંડ કેસમાં જાણીતી એજ્યુકેશન સંસ્થાના ડુપ્લીકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવવા કેસમાં અમદાવાદ અને દિલ્હી કનેક્શન ખુલ્યું છે. ત્યારે દેશના મોટાભાગના રાજ્યોની માર્કશીટ મળી આવી છે. નોંધનીય છે કે CID ક્રાઇમે અગાઉ વિઝા એજન્ટોની 17 ઓફિસો પર રેડ કરી ત્યારે આ રેડમાં 27 પાસપોર્ટ, 53 કોમ્પ્યુટર હાર્ડ ડ્રાઈવ, 79 માર્કશીટ, 5.5 લાખની રોકડ અને દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી.
આ બનાવટી માર્કશીટનો ઉપયોગ કરીને યુવાનોને કેનેડા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા મોકલવામાં આવતા હતા. જેથી આ રેકેટમાં જોડાયેલા અન્ય એજન્ટની CID ક્રાઇમે તપાસ શરૂ કરી છે.