
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં પોલીસે એક ડૉક્ટર અને તેના લેબ ટેકનિશિયનની ધરપકડ કરી છે. તેના પર 900થી વધુ ગેરકાયદેસર ગર્ભપાત કરાવવાનો આરોપ છે અને તે બદલ તેની ધરપકડ પણ કરવામાં આવી છે. આ અબોર્શન તેણે છેલ્લા ત્રણ વર્ષમાં કરાવ્યા છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડૉ. ચંદન બલાલ અને તેમના લેબ ટેકનિશિયન નિસાર કથિત રીતે અબોર્શન માટે 30,000 રૂપિયા સુધીનો ચાર્જ લેતા હતા. બંને મૈસુરની જિલ્લા હોસ્પિટલમાં અબોર્શન કરાવતા હતા. બંનેની પોલીસે ગયા અઠવાડિયે અટકાયત કરી હતી. આ મહિનાની શરૂઆતમાં હોસ્પિટલ મેનેજર મીના અને રિસેપ્શનિસ્ટ રિઝમા ખાનની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે ગયા છેલ્લા મહિને લિંગ નિર્ધારણ અને સ્ત્રી ભ્રૂણ હત્યા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જ્યારે ગર્ભપાત માટે કારમાં ગર્ભવતી મહિલાને લઈ જઈ રહ્યા હતા ત્યારે મૈસુર નજીકના મંડ્યામાંથી બે આરોપીઓ શિવાલિંગે ગૌડા અને નયન કુમારની ધરપકડ કરી હતી.
પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે, મંડ્યામાં ગોળ યુનિટનો અલ્ટ્રાસાઉન્ડ સ્કેન સેન્ટર તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ યુનિટમાં દરોડા દરમિયાન એક સ્કેનિંગ મશીન મળી આવ્યું હતું. જેની પાસે ન તો કોઈ માન્ય અધિકૃતતા અને ન તો કોઈ ઓફિશિયલ દસ્તાવેજ હતો.
પોલીસે વધુમાં જણાવ્યું છે કે, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ડૉક્ટરે તેના લેબ ટેકનિશિયન સાથે મળીને ત્રણ વર્ષમાં ગેરકાયદેસર રીતે લગભગ 900 ગર્ભપાત કરાવ્યા હતા. અને તેઓ દરેક ગર્ભપાત માટે 30 હજાર રૂપિયા લેતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર રેકેટ સાથે સંકળાયેલા બાકી શંકાસ્પદ લોકોને પકડવા માટે તપાસ કરવામાં આવી રહી છે.