રેલવેમાં નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. ઈન્ડિયન રેલવેએ વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. ઉમેદવારો આ પોસ્ટ માટે 10મી નવેમ્બરથી 9 ડિસેમ્બર 2023 સુધીમાં અરજી કરી શકે છે. આ જગ્યાઓ પૂર્વ મધ્ય રેલવે હેઠળના વિવિધ વિભાગો/યુનિટોમાં ભરવામાં આવશે. ઓફિશિયલ વેબસાઇટ rrcecr.gov.in પર જાહેર કરાયેલ ભરતી જાહેરાત મુજબ ઉમેદવારો ઑનલાઇન અરજી કરી શકે છે. રેલવેએ વિવિધ એપ્રેન્ટિસ પોસ્ટ માટે એપ્લિકેશન મંગાવી છે.
આ ભરતી પ્રક્રિયા દ્વારા એપ્રેન્ટિસની કુલ 1832 ખાલી જગ્યાઓ ભરવાની છે. જેમાં દાનાપુર વિભાગમાં 675, ધનબાદ વિભાગમાં 156, પંડિત દીન દયાલ ઉપાધ્યાય વિભાગમાં 518, સોનપુર વિભાગમાં 47, સમસ્તીપુર વિભાગમાં 81, પ્લાન્ટ ડેપો/પં. દીન દયાલ ઉપાધ્યાયમાં 135, પેસેન્જર કાર રિપેર ફેક્ટરીમાં 110 અને મિકેનિકલ ફેક્ટરી/સમસ્તીપુરમાં કુલ 110 જગ્યાઓ છે.
અરજી કરનારા ઉમેદવારે 50 ટકા માર્ક્સ સાથે 10મું પાસ કરવું કમ્પલસરી છે. આ ઉપરાંત ઉમેદવારો પાસે જોબ સંબંધિત ટ્રેન્ડમાં ITI ડિગ્રી હોવી જોઈએ. વધારે લાયકાતની માહિતી માટે ઉમેદવારો રેલવે દ્વારા જાહેર કરાયેલી સૂચના ચકાસી શકે છે.
વય મર્યાદા – તમામ પોસ્ટ માટે વય મર્યાદા 15 વર્ષથી 24 વર્ષની વચ્ચેની નક્કી કરેલી છે. જો કે OBC વર્ગને ઉપલી વય મર્યાદામાં 3 વર્ષની છૂટ આપવામાં આવી છે અને SC અને ST કેટેગરીઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે.
આ વિવિધ જગ્યાઓ પરના ઉમેદવારોની પસંદગી કોઈપણ પરીક્ષા વિના શૈક્ષણિક લાયકાતના આધારે તૈયાર કરેલા મેરિટ દ્વારા કરવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને મેડિકલ તપાસ અને ડોક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવવામાં આવશે.