ધોરણ 10 અને 12 પાસ તેમજ BA પાસ યુવાઓ માટે ભારતીય પોસ્ટ વિભાગમાં ભરતી બહાર પડી છે. ભારતીય પોસ્ટ વિભાગે પોસ્ટલ આસિસ્ટન્ટ સહિત જુદી-જુદી ખાલી જગ્યા માટે અરજીઓ મંગાવી છે. જે ઉમેદવારો આ ખાલી જગ્યા માટે અરજી કરવા માંગે છે તેઓ 9 ડિસેમ્બર 2023 સુધીમાં અરજી કરી શકે છે. ઉમેદવારોએ અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ dopsqr.cept.gov.in ની મુલાકાત લેવી પડશે. ભરતી માટેની ઓનલાઈન અરજી 10 નવેમ્બરથી શરૂ થઈ છે. ઉમેદવારો કુલ 1899 ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે છે.
આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ કરવામાં આવી રહી છે. પોસ્ટલ આસિસ્ટન્ટ, સોર્ટિંગ આસિસ્ટન્ટ, પોસ્ટમેન, મેઈલ ગાર્ડ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની ખાલી જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો નિયમ અનુસાર છેલ્લી તારીખ સુધીમાં અરજી કરી શકે છે.
પોસ્ટલ આસિસ્ટન્ટની ખાલી જગ્યા માટે, ઉમેદવાર પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. પોસ્ટમેન અને મેલ ગાર્ડની ખાલી જગ્યા માટે ઉમેદવારોએ ધોરણ 12 પાસ કરેલું હોવું ફરજિયાત છે. મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની જગ્યા માટે ઉમેદવારે ધોરણ 10 પાસ કરેલું જરૂરી છે. આ ઉપરાંત તમામ જગ્યાઓ માટે ઉમેદવારો પાસે કમ્પ્યુટરનું બેસિક નોલેજ હોવું જોઈએ. ઉમેદવારોએ રમતગમતની લાયકાત પણ પૂર્ણ કરવી જરૂરી છે. આ અંગેની વધારે માહિતી ઉમેદવારો બહાર પાડેલી સૂચના વાંચવી જોઈએ.
પોસ્ટલ આસિસ્ટન્ટ, સોર્ટિંગ આસિસ્ટન્ટ, પોસ્ટમેન અને મેઈલ ગાર્ડ માટે અરજદારોની ઉંમર 18 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની જગ્યા માટે ઉંમર 18-25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં 5 વર્ષની છૂટ મળશે. આ ઉપરાંત SC અને ST શ્રેણીઓને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. અન્ય કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 100 રૂપિયા રાખવામાં આવી છે.
આ પણ વાંચો : રેલવેમાં સરકારી નોકરીની તક, પગાર મળશે 1.6 લાખથી વધારે, જાણો કેવી રીતે કરવી ઓનલાઈન અરજી
આ ખાલી જગ્યા માટે ઉમેદવારોની પસંદગી મેરીટ લિસ્ટ દ્વારા કરવામાં આવશે. પોસ્ટલ આસિસ્ટન્ટની પોસ્ટ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 25,500 થી લઈને 81,100 રૂપિયાનો પગાર મળશે. ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું કે છેલ્લી તારીખ બાદ મળેલી અરજીઓ માન્ય રહેશે નહીં.