રાકેશ ઝુનઝુનવાલાની (Rakesh Jhunjhunwala) એરલાઇન અકાસા એર (Akasa Air) આ વર્ષે જૂનથી તેનું વ્યાપારી સંચાલન શરૂ કરે તેવી અપેક્ષા છે. અકાસા એરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિનય દુબેએ ‘વિંગ્સ ઈન્ડિયા 2022’ કોન્ફરન્સના એક સત્રને સંબોધતા જણાવ્યું હતું કે એરલાઈનની (Airline) પ્રથમ કોમર્શિયલ ફ્લાઈટ (Flight) જૂન મહિનામાં શરૂ થવાની ધારણા છે. દુબેએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે તેઓ તમામ નિયમનકારી શરતોને પરિપૂર્ણ કરવા અને કામગીરીને લાઇસન્સ આપવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) સાથે મળીને કામ કરી રહ્યા છે.
શુક્રવારે યોજાયેલા આ ચર્ચા સત્રમાં તેમણે કહ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં એરલાઇન પાસે 72 એરક્રાફ્ટનો કાફલો હોવાની અપેક્ષા છે. તે ઓપરેશનની શરૂઆતના પ્રથમ 12 મહિનામાં 18 એરક્રાફ્ટનો કાફલો બનાવવાની યોજના ધરાવે છે અને તે પછી દર વર્ષે એરલાઇન 12-14 એરક્રાફ્ટ ઉમેરશે.
દુબેએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ ફ્લાઈટ્સ શરૂ કરવા અને લોકોને પૂરી ઉષ્મા સાથે સેવા આપવા માટે ખૂબ જ ઉત્સુક છે. પ્રારંભિક તબક્કામાં, અકાસા એર ફ્લાઇટ્સ મેટ્રો મહાનગરોથી ટિયર-2 અને ટિયર-3 શહેરો માટે જ હશે. આ સિવાય મેટ્રો વચ્ચે પણ ફ્લાઈટ ચલાવવામાં આવશે. ભારતીય ઉડ્ડયન ક્ષેત્રની આ નવી એરલાઇનને ઑક્ટોબર 2021 માં નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી હવાઈ સંચાલન માટે નો-ઓબ્જેક્શન પ્રમાણપત્ર મળ્યું હતું.
આ સિવાય તમને જણાવી દઈએ કે Akasa Air દેશમાં ખૂબ જ ઓછી કિંમતની (અલ્ટ્રા લો કોસ્ટ) ફ્લાઈટ સેવા શરૂ કરવાનો દાવો કરી રહી છે. ભારતના ઉડ્ડયન બજારમાં જોરદાર સ્પર્ધા ચાલી રહી છે જેમાં ઘણી નાની-મોટી કંપનીઓ તેમની સેવા પૂરી પાડી રહી છે. અકાસા પણ તેમાંથી એક હશે. હાલમાં, ભારતીય ઉડ્ડયન બજારમાં ઈન્ટર ગ્લોબ એવિએશન લિમિટેડની ઈન્ડિગો એરલાઈનનું વર્ચસ્વ છે.
અલ્ટ્રા લો કોસ્ટ કેરિયર અથવા ULCC હેઠળની એરલાઇન ઓછા ભાડાના બિઝનેસ મોડલ પર કામ કરે છે. અલ્ટ્રા લો કોસ્ટ કેરિયરની યુનિટ કોસ્ટ અને કમાણી ઓછી કિંમતના કેરિયર અને સંપૂર્ણ સર્વિસ કેરિયરની સરખામણીમાં ઓછી છે. અકાસા એર આ શ્રેણીમાં આવે છે. અકાસા એર એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એરલાઈને બ્રાન્ડિંગ માટે ‘સનરાઈઝ ઓરેન્જ’ અને ‘પેશનેટ પર્પલ’ રંગો પસંદ કર્યા છે, જે હૂંફ અને ઉર્જા દર્શાવે છે.
આ પણ વાંચો : Finance Bill 2022: ફાઇનાન્સ બિલ 2022 લોકસભામાંથી પસાર, સરકાર ક્રિપ્ટોકરન્સી પર ટેક્સને લઈને વધુ કડક બની