DELHI : નીતિ આયોગ (Niti Ayog)ના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે મંગળવારે જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષમાં દેશનો આર્થિક વિકાસ દર 10 ટકા કે તેથી વધુ રહેશે. જ્યારે આગામી નાણાકીય વર્ષ 2022-23માં તે 8 ટકાથી વધુ રહેવાનુ અનુમાન છે. એક પુસ્તક વિમોચન કાર્યક્રમના પ્રસંગે રાજીવ કુમારે કહ્યું કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના સાત વર્ષ દરમિયાન કંપનીઓના વિકાસ માટે મજબૂત આર્થિક પાયો નાખવામાં આવ્યો છે.
IMF 9.5 ટકા વૃદ્ધિની કરી આગાહી
કોવિડ-19 મહામારીને કારણે બે વર્ષથી આર્થિક વૃદ્ધિના મોરચે સમસ્યા સર્જાય છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ 2021માં 9.5 ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે. રાજીવ કુમારે કહ્યું કે, મોનેટરી ફંડ અનુસાર, ભારત આગામી પાંચ વર્ષમાં ઝડપી વૃદ્ધિ હાંસલ કરનારો સૌથી મોટા અર્થવ્યવસ્થા વાળો દેશ હશે.
નાણાકીય વર્ષ 2022-23માં વિકાસ દર 8 ટકાથી વધુ રહેશે
નીતિ આયોગના ઉપાધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં ભારતનો વિકાસ દર 10 ટકા રહેશે. અને કોવિડ મહામારીમાંથી બહાર આવ્યા પછી, નાણાકીય વર્ષ 2022-23માં આપણો વિકાસ દર 8 ટકાથી વધુ રહેશે. તેમણે અગાઉ પણ કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2021-22માં આપણી અર્થવ્યવસ્થા ઓછામાં ઓછા 10 ટકાના દરે વૃદ્ધિ પામશે. જે લોકો દાવો કરી રહ્યા હતા કે તે 9.5 ટકા અથવા તેનાથી ઓછું હશે તે ખોટા સાબિત થયા હતા.
શું અનુમાન લગાવી રહ્યું છે મોનેટરી ફંડ
નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિનું અનુમાન 10.5 ટકાથી ઘટાડીને 9.5 ટકા કર્યું છે. તે જ સમયે, મોનેટરી ફંડે 2021માં 9.5 ટકા અને આવતા વર્ષે 8.5 ટકા વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો છે. રાજીવ કુમારે કહ્યું કે બદલાવ આવી રહ્યો છે અને લોકો ભારતમાં રોકાણ કરવા માટે સંપુર્ણ રીતે તૈયાર છે.
ગયા મહિને IMFએ 6 ટકા વૃદ્ધિની આગાહી કરી હતી
નીતિ આયોગના ઉપાધ્યક્ષે કહ્યું કે ભારતની મધ્યમ ગાળામાં સંભવિત સતત વૃદ્ધિ દર 8 ટકા સુધી રહેશે. ગયા મહિને, IMFએ મહામારીનો હવાલો આપતા ભારતની મધ્યમ ગાળાની સતત વૃદ્ધિની સંભાવના ઘટાડીને 6 ટકા કરી હતી.
આ પણ વાંચો : Diwali Muhurat Trading 2021: દિવાળીમાં બે દિવસ બંધ રહેશે શેરબજાર પણ આ ખાસ સમયે મળશે કમાણીની તક , જાણો વિગતવાર