Direct Tax Collections: કોરોના સંકટ અર્થતંત્રને માઠી અસર પડી છે. નાણાકીય દબાણ અને આવકમાં ઘટાડા વચ્ચે અર્થતંત્ર માટે બેવડી ખુશીના સમાચાર આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષ (2021-22) ના પહેલા ત્રણ મહિનામાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 100% વધારો થયો છે. આ ઉપરાંત જૂનની શરૂઆતના 15 દિવસમાં દેશની નિકાસમાં 46.43 ટકાનો વધારો થયો છે. જૂન 1-14 વચ્ચે દેશની કુલ નિકાસ 14.06 અબજ ડોલર થઇ હતી.
આવકવેરા વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 1.85 લાખ કરોડનું થયું છે. પર્સનલ ઇન્કમ ટેક્સનો આમાં મોટો ફાળો છે. આ આંકડામાં, કોર્પોરેટ ઇન્કમ ટેક્સનું કલેક્શન 74356 રૂપિયા કરોડ છે. આ ઉપરાંત પર્સનલ ઇન્કમ ટેક્સ જેમાં સિક્યોરિટી ટ્રાંઝેક્શન ટેક્સનો સમાવેશ થાય છે તે 1.11 લાખ કરોડ રૂપિયા છે.
ડાયરેક્ટ ટેક્સ કલેક્શન બમણું
આવકવેરા વિભાગ દ્વારા જારી માહિતી અનુસાર 1 એપ્રિલથી 15 જૂન વચ્ચે નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન (રિફંડ પરત કર્યા પછી) 185871 કરોડ હતી. પાછલા વર્ષના સમાન ગાળામાં તે 92762 કરોડ રૂપિયા હતી. આ રીતે તેમાં 100.40 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 30,731 કરોડ રૂપિયાના રિફંડ જારી કરવામાં આવ્યું છે.
2.16 લાખ કરોડનું ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન
ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીનો કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 2.16 લાખ કરોડ થયું છે. ગયા વર્ષના સમાન ગાળામાં તે રૂ 1.37 લાખ કરોડ હતું. કુલ વ્યક્તિગત આવકવેરો રૂ 1.19 લાખ કરોડ અને કુલ કોર્પોરેટ આવકવેરો રૂ 96,923 કરોડ હતો.
નિકાસમાં 47 ટકાનો ઉછાળો
જૂનના પહેલા 15 દિવસમાં દેશની નિકાસ 46.43 ટકા વધીને 14.06 અબજ ડોલર રહી છે. એન્જિનિયરિંગ, જેમ્સ અને જ્વેલરી, પેટ્રોલિયમ પેદાશોનો આમાં મોટો ફાળો છે. જો કે જૂનનાં પહેલા બે અઠવાડિયામાં આયાતમાં પણ 98.33 ટકાનો વધારો થયો છે. આ આંકડો 19.59 અબજ ડોલર રહ્યો છે.
પ્રથમ સપ્તાહમાં 52.39 ટકાનો ઉછાળો
સરકારી આંકડા મુજબ જૂનના પહેલા અઠવાડિયામાં નિકાસમાં 52.39 ટકાનો વધારો થયો છે અને આ આંકડો 7.71 અબજ ડોલર રહ્યો છે. જયારે તે બીજા સપ્તાહમાં 40 ટકા વધ્યો અને તે 6.35 અબજ ડોલર રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં એટલે કે એપ્રિલ અને મે મહિનામાં દેશની કુલ નિકાસ 62.89 અબજ ડોલર રહી છે જે વર્ષ ૨૦૨૦ ના સમાન ગાળામાં 29.41અબજ ડોલર હતી.