
‘નવલખો હાર’ એક એવો હાર છે જેની સ્ટોરી તમે સાંભળી હશે. લગ્નની સિઝનમાં તેની ડિઝાઇન ફરી ટ્રેન્ડ થઈ રહી છે. બોલિવૂડ ફિલ્મ ‘બાજીરાવ મસ્તાની’ માં તમે રણવીર સિંહને લીલા રંગનો નેકલેસ પહેરેલો જોયો હશે. આ નેકલેશ જ ‘નવલખો હાર’ છે. નવલખા હારનું જોડાણ મરાઠાઓ દ્વારા બિહારના દરભંગા સુધી પહોંચે છે. આ ઉપરાંત તેનું ગુજરાત કનેકશન પણ છે. તેની સ્ટોરી ‘કોહિનૂર’ હીરા જેવી જ છે.
એવું કહેવાય છે કે નવલખો હાર પેશ્વા બાજીરાવ પાસે હતો. જે તેમણે 9 લાખ મુદ્રામાં ખરીદ્યો હતો. તે સમયે રૂપિયા ચલણમાં હતા નહીં. તે લાંબા સમય સુધી પેશ્વાઓ અને મરાઠાઓ પાસે રહ્યો. ત્યારબાદ વર્ષ 1857 બાદ નાના સાહેબ પેશ્વાએ તેને નેપાળના રાણા જંગ બહાદુરને વેચ્યો હતો. વર્ષ 1901માં તે નેપાળથી દરભંગાના મહારાજા રામેશ્વર સિંહ પાસે પહોંચ્યો હતો.
મહારાજા રામેશ્વર સિંહ તે જમાનામાં દેશના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ હતા. તેમના પહેલા હૈદરાબાદના નિઝામ અને વડોદરાના ગાયકવાડ હતા. ‘નવલખા હાર’ની એક સ્ટોરી વડોદરાના ગાયકવાડ રાજવી પરિવાર સાથે પણ જોડાયેલી છે. રિપોર્ટ અનુસાર, વડોદરાના રાજવી પરિવારના શ્રીમંત મનાજીરાવ ગાયકવાડની તબિયત એક સમયે ખૂબ જ ખરાબ થઈ હતી.
આ સમયે રાજવી પરિવારે મહેસાણામાં બહુચરા દેવીના મંદિરમાં પ્રાર્થના કરી અને જ્યારે માનાજીરાવ સ્વસ્થ થયા ત્યારે તેમણે માતાને અમૂલ્ય હીરા-મોતીનો હાર અર્પણ કર્યો. આ હાર હજુ પણ મંદિરમાં છે અને દર વર્ષે વિજયાદશમીના દિવસે તે દેવીને તેનો શણગાર કરવામાં આવે છે.
આજે ‘નવલખા હાર’નું કનેક્શન 9 લાખ રૂપિયા સાથે નહીં, પરંતુ ‘નવલખા’ ડિઝાઇન સાથે છે. ‘નવલખા હાર’ની કિંમત આજે અંદાજે 250 થી 300 કરોડ રૂપિયા છે. ‘નવલખા હાર’ માં હીરા, નીલમ, નીલમણિ અને અન્ય ઘણા કિંમતી પથ્થરો સાથે સુંદર મીનાકારી કામ છે. એવું પણ કહેવાય છે કે તેનું નામ ‘નવલખા’ રાખવાનું એક કારણ તેમાં 9 પ્રકારના રત્નોનો ઉપયોગ છે. તેના કારીગરો મુખ્યત્વે રાજસ્થાન અને બંગાળમાં જ જોવા મળે છે.