દેશની બીજી સૌથી મોટી આઈટી ક્ષેત્રની કંપની ઈન્ફોસિસે (Infosys) તેના ચોથા ક્વાર્ટર (Q4 Results) પરિણામો જાહેર કર્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર માર્ચમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં તેને 5,686 કરોડ રૂપિયાનો નફો થયો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટર કરતાં 12 ટકા વધુ છે. જોકે, ત્રીજા ક્વાર્ટરની સરખામણીમાં નફામાં 2 ટકાનો ઘટાડો થયો છે. આ સાથે કંપનીની ત્રિમાસિક કમાણી ગયા વર્ષના સમાન ક્વાર્ટરની સરખામણીમાં 23 ટકા વધી છે. તે જ સમયે, પાછલા નાણાકીય વર્ષમાં, 2020-21ની તુલનામાં કંપનીના નફામાં 14 ટકાનો વધારો થયો છે. કંપનીએ માહિતી આપી છે કે ક્વાર્ટર દરમિયાન બિઝનેસના લગભગ તમામ ભાગોમાં સતત વૃદ્ધિ થઈ છે.
કંપનીના જણાવ્યા અનુસાર ક્વાર્ટર દરમિયાન આવક 22.7 ટકા વધીને રૂ. 32,276 કરોડના સ્તરે પહોંચી છે. એક વર્ષ અગાઉ માર્ચ ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 26,311 કરોડના સ્તરે હતી. ઈન્ફોસિસના ઓપરેટિંગ માર્જિનમાં ઘટાડો જોવા મળ્યો છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનું ઓપરેટિંગ માર્જિન 21.5 ટકા હતું. જ્યારે ડિસેમ્બર ક્વાર્ટરમાં માર્જિન 23.5 ટકાના સ્તરે હતું.
એક વર્ષ અગાઉ માર્ચ ક્વાર્ટરમાં કંપનીનું માર્જિન 24.5 ટકા હતું. ડોલર મૂલ્યમાં કંપનીની આવક પાછલા વર્ષની સરખામણીમાં 18.5 ટકા વધીને 428 કરોડ ડોલર થઈ છે. કંપનીએ વર્ષ 2022-23 માટે કોન્સ્ટેન્ટ કરન્સીમાં 13થી 15 ટકાનું રેવન્યુ ગ્રોથ ગાઈડેન્સ આપ્યું, જ્યારે ઓપરેટીંગ માર્જિન માટે ગાઈડેન્સ 21થી 23 ટકાની રેન્જમાં આપવામાં આવ્યું છે.
પરિણામો પછી કંપનીએ ગયા નાણાકીય વર્ષ માટે શેર દીઠ રૂ. 16ના અંતિમ ડિવિડન્ડની પણ જાહેરાત કરી હતી. કંપની અગાઉ શેર દીઠ રૂ. 15નું ડિવિડન્ડ આપી ચૂકી છે, એટલે કે કંપનીએ વર્ષ દરમિયાન તેના રોકાણકારોને પ્રતિ શેર રૂ. 31નું ડિવિડન્ડ આપ્યું છે. જે નાણાકીય વર્ષ 2020-21 કરતા 14.8 ટકા વધુ છે, આ સાથે કંપની આખા નાણાકીય વર્ષ માટે 13 હજાર કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે. TCS એ પણ આ અઠવાડિયે તેના પરિણામો જાહેર કર્યા છે. ટીસીએસનો કોન્સોલિડેટેડ નફો રૂ. 9,926 કરોડ હતો, જે પાછલા વર્ષની સરખામણીમાં 7.4 ટકા વધુ છે. તે જ સમયે, TCSની આવક ગયા વર્ષની સરખામણીમાં લગભગ 16 ટકા વધી છે.
આ પણ વાંચો : Fuel Price: વિશ્વમાં સૌથી મોંઘો LPG ભારતમાં મળે છે, મોંઘવારી મામલે પેટ્રોલ વિશ્વમાં ત્રીજા અને ડીઝલ આઠમાં ક્રમે મોંઘા