એનપીએસ (NPS) એ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ એક સામાજિક સુરક્ષા યોજના છે જેનો ઉદ્દેશ્ય નિવૃત્તિ પછી વ્યક્તિઓને સ્થિર આવક પ્રદાન કરવાનો છે. ભારતમાં પેન્શન ફંડ માટેની નિયમનકારી સંસ્થા (PFRDA), છૂટક રોકાણકારો માટે તેને આકર્ષક બનાવવા માટે ઘણા નિયમોમાં ફેરફાર કરી રહી છે. આ એક હાઇબ્રિડ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે (જે ઇક્વિટી અને ડેટ બંનેમાં રોકાણ કરે છે) તેથી નિષ્ણાતો કહે છે કે તે યુવાન કમાતા વ્યક્તિને દર મહિને નાની રકમના રોકાણ દ્વારા તેમની નિવૃત્તિ (retirement) માટે ફંડ એકત્રિત કરવામાં મદદ કરી શકે છે.
એનપીએસમાં રોકાણ કરવાથી, તમે જીવિત રહેશો ત્યાં સુધી તમને એક નિશ્ચિત માસિક પેન્શન મળશે અને નિવૃત્તિ સમયે એક એકમ રકમ પણ મળશે. સબ્સ્ક્રાઇબર એનપીએસમાંથી તેની પાકતી મુદતની 60% રકમ કરમુક્ત એકમ રકમ તરીકે ઉપાડી શકે છે અને બાકીની રકમ સાથે તેણે જીવન વીમા કંપની પાસેથી વાર્ષિકી ખરીદવી પડશે, જે સરેરાશ વાર્ષિક દરે આવક આપે છે. પરંતુ તેમા તમારે રીટર્ન ઓફ પ્રીમિયમનો વિકલ્પ પસંદ કરવો પડશે.
જો કોઈ વ્યક્તિ 21 વર્ષની ઉંમરે NPSમાં દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરવાનું શરૂ કરે છે, તો તેને નિવૃત્તિ પછી 1.15 લાખ રૂપિયાનું માસિક પેન્શન મળવાનું શરૂ થઈ શકે છે. ચાલો જાણીએ કે આ કેવી રીતે શક્ય બનશે.
ધારો કે કોઈ વ્યક્તિ 21 વર્ષની ઉંમરે નોકરીમાં જોડાય છે અને NPSમાં દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરવાનું શરૂ કરે છે. NPS માં, તમારે 60 વર્ષની ઉંમર સુધી રોકાણ કરવાનું હોય છે, એટલે કે, આ કિસ્સામાં તે 39 વર્ષ માટે હશે. તેની ગણતરી નીચે મુજબ કરી શકાય છે.
1. એનપીએસમાં માસિક રોકાણ: 10,000 રૂપિયા (વાર્ષિક રૂપિયા. 1,20,000)
2. 39 વર્ષમાં કુલ યોગદાનઃ 46.80 લાખ રુપિયા
3. રોકાણ પર અંદાજિત વળતર: 10%
4. મેચ્યોરીટી પર કુલ ભંડોળ: 5.76 કરોડ રૂપિયા
5. વાર્ષિકી ખરીદી: 40 ટકા
6. અંદાજિત વાર્ષિકી દર: 6%
7. 60 વર્ષની ઉંમરે પેન્શન: 1.15 લાખ રૂપિયા પ્રતિ માસ
ધ્યાનમાં રાખો કે આ ગણતરી NPS ટ્રસ્ટના કેલ્ક્યુલેટરના આધારે કરવામાં આવી છે. આ ગણતરી અંદાજે આપવામાં આવી છે અને વાસ્તવિક રકમ તેનાથી અલગ હોઈ શકે છે.
NPSમાં, જો તમે 40 ટકા વાર્ષિકી લો છો અને વાર્ષિકી દર 6 ટકા છે, તો નિવૃત્તિ પછી તમને 3.45 કરોડ રૂપિયા લમ્પસમ અને વાર્ષિક 2.30 કરોડ રૂપિયા મળશે. આ વાર્ષિકીની રકમમાંથી તમને દર મહિને 1,15,217 રૂપિયાનું પેન્શન મળશે. વાર્ષિકી રકમ જેટલી વધારે હશે તેટલું વધુ પેન્શન તમને મળશે. NPSમાં, આ નિયમ ફરજિયાત છે કે રોકાણ કરનાર વ્યક્તિએ કુલ નાણાંના 40 ટકા વાર્ષિકીમાં મૂકવા પડશે. વાર્ષિકી કોર્પસ જેટલું ઊંચું હશે, તેટલી જ પેન્શનની રકમ વધુ હશે.
(નોંધ: આ અહેવાલનો હેતુ ફક્ત તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે. આ અહેવાલના આધારે કરેલા રોકાણથી નફા કે નુક્સાન સાથે અમારા કોઈ લેવાદેવા રહેશે નહીં. કૃપયા રોકાણ કરતાં પહેલા તમારા આર્થીક સલાહકારની મદદ અવશ્ય લેવી.)