આ વર્ષે જે ગ્રાહકોએ કાર બુક (Car Booking) કરાવી છે તેમને તેમની કાર મેળવવા માટે મહિનાઓ સુધી રાહ જોવી પડશે. સ્થિતિ એ છે કે ઘણી બધી કારનો વેઇટિંગ પિરિયડ (waiting period) 6 મહિનાથી વધુ થઈ ગયો છે, જેના કારણે બુકિંગ કેન્સલ થવાની ઝડપ પણ વધી રહી છે. સરકારના જણાવ્યા અનુસાર મે-જૂનથી સ્થિતિમાં સુધારો થવા લાગશે.
ચિપની અછત ક્યારે પૂરી થશે?
કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપ્યા પછી, ચિપની અછત પર પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં, કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કોવિડને કારણે, માંગ અને પુરવઠામાં મોટો તફાવત જોવા મળ્યો છે. તેમના મતે, કોવિડને કારણે લગભગ તમામ કામ ડિજિટલ રીતે કરવામાં આવ્યા હતા, જેના કારણે સાધનોની માંગ વધી હતી. બીજી તરફ ઘણા પ્લાન્ટ બંધ થવાને કારણે ચિપની સપ્લાયમાં ઘટાડો જોવા મળ્યો હતો.
તેમણે કહ્યું કે આજની પરિસ્થિતિમાં ઉદ્યોગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 6 થી 8 મહિનામાં ચિપની સપ્લાય સામાન્ય થવા લાગશે. તેમણે સ્પષ્ટ કહ્યું કે આ કોઈ નિશ્ચિત આંકડો નથી કારણ કે આવનારા સમયમાં સ્થિતિ કોઈપણ દિશામાં ફેરવાઈ શકે છે.
ચિપની અછતને કારણે બુકિંગમાં થયો ઘટાડો
ઓટોમોટિવ ઉદ્યોગ સંસ્થા SIAM એ માહિતી આપી છે કે સેમિકન્ડક્ટર (ચિપ)ની અછતને કારણે નવેમ્બરમાં દેશમાં પેસેન્જર વાહનોના જથ્થાબંધ વેચાણમાં 19 ટકાનો ઘટાડો થયો છે. સિયામે કહ્યું કે સેમિકન્ડક્ટરની અછતને કારણે વાહનોના ઉત્પાદન અને પુરવઠા પર ખરાબ અસર પડી રહી છે. ચિપની અછતને કારણે, પેસેન્જર વ્હીકલ (PV)નું જથ્થાબંધ વેચાણ ગયા મહિને 2,15,626 યુનિટ હતું, જે નવેમ્બર 2020 ના 2,64,898 યુનિટ્સ કરતા 19 ટકા ઓછું છે.
જ્યારે આ જ કારણોસર, તહેવારોની સિઝન ઘણા વર્ષોમાં સૌથી ખરાબ સિઝન સાબિત થઈ છે. હાલમાં કંપનીઓ કાર બુકિંગને લઈને ચિંતિત છે, મારુતિએ પહેલા જ તેની જાણકારી આપી દીધી છે કે, તેણે પોતાના ગ્રાહકોને 2 લાખ કાર સોંપવાની છે. હાલમાં એક મહિનામાં સરેરાશ 40 થી 45 હજાર બુકિંગ કેન્સલ થઈ રહ્યા છે. ઓગસ્ટ સુધી આ આંકડો 15 હજારથી 20 હજારના સ્તરે હતો.
આ પણ વાંચો : Maharashtra Board: મહારાષ્ટ્ર બોર્ડનો શાળાનો અભ્યાસક્રમ બદલાયો, હવે ધોરણ 1 થી 8 સુધી એક નવો વિષય ભણાવવામાં આવશે