નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ચિત્રા રામકૃષ્ણને (Chitra Ramakrishna) સાત દિવસ માટે CBI કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. કો-લોકેશન કૌભાંડ (Co- Location Scam) કેસમાં સીબીઆઈ દ્વારા રવિવારે રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા શનિવારે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. સીબીઆઈએ ફેબ્રુઆરીમાં તેમની ત્રણ દિવસ પૂછપરછ કરી હતી. તેણે 24 અને 25 ફેબ્રુઆરીએ તેમના ઘરે તપાસ પણ કરી હતી.
અધિકારીઓએ કહ્યું કે તેઓ સાચો જવાબ આપી રહ્યા નથી. સીબીઆઈ સુબ્રમણ્યમની પૂછપરછ કરીને તેના દ્વારા એકત્ર કરાયેલા પુરાવાને ચકાસવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ, દિલ્હીની એક કોર્ટે NSEના ભૂતપૂર્વ ગ્રુપ ઓપરેટિંગ ઓફિસર આનંદ સુબ્રમણ્યમની CBI કસ્ટડી 9 માર્ચ સુધી લંબાવી છે. આ કેસમાં તેની 25 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી.
આ દરમિયાન સીબીઆઈના સૂત્રોએ બિઝનેસ ટુડે ટીવીને જણાવ્યું છે કે તેમની ધરપકડ બાદ રામકૃષ્ણએ ભગવદ ગીતાની નકલ માંગી હતી. સૂત્રોનું કહેવું છે કે, પ્રારંભિક પૂછપરછ દરમિયાન તેઓ મૌન રહ્યા હતા. પૂછપરછ દરમિયાન તેમને NSE પરના પોતાના નિર્ણયો યાદ કરવામાં પણ તકલીફ પડી રહી હતી. અને છેતરપિંડીના પુરાવાનો સામનો થવા પર તેમણે ‘મેન્ટલ બ્લોક’નો ઉલ્લેખ કર્યો. જોકે, એનએસઈના પુર્વ સીઈઓ સીબીઆઈને સીધા જવાબ આપી રહ્યા ન હતા. જોકે, લાંબી પૂછપરછ બાદ સીબીઆઈએ ચિત્રા રામકૃષ્ણની ધરપકડ કરી હતી. સીબીઆઈએ ચિત્રા રામકૃષ્ણાની પૂછપરછ દરમિયાન સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL) ના ફોરેન્સિક સાયકોલોજિસ્ટની સેવાઓ પણ લીધી હતી.
પસંદ કરેલા બ્રોકરોને NSE કો-લોકેશન કૌભાંડમાં અયોગ્ય રીતે ફાયદો પહોચાડવામાં આવ્યો હતો. શેર ખરીદ-વેચાણના કેન્દ્ર એવા દેશના મુખ્ય નેશનલ સ્ટોક એક્સચેન્જના કેટલાક બ્રોકરોને આવી સુવિધા આપવામાં આવી હતી, જેથી તેઓને બાકીના લોકો કરતાં વહેલી તકે શેરની કિંમતો વિશે માહિતી મળી શકે. જેનો ફાયદો ઉઠાવીને તેઓ ભારે નફો કમાતા હતા. તેની તપાસમાં બહાર આવ્યું છે કે ઓપીજી સિક્યોરિટીઝ નામની બ્રોકરેજ ફર્મને ફાયદો પહોંચાડવા માટે તેને કો-લોકેશન ફેસિલીટીઝની ઍક્સેસ આપવામાં આવી હતી. આ સુવિધામાં હાજર બ્રોકર્સ બાકીના લોકો કરતા ઘણો વહેલો તમામ ડેટા મેળવી લે છે.
આ પણ વાંચો : Tax Saving FDs: ફિક્સ ડિપોઝીટ માટે કઈ બેંકો વધુ સારી ડીલ ઓફર કરી રહી છે? જાણો