વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે (Elon Musk)એ ભારતની ઈન્ટરનેટ જગતમાં ખળભળાટ મચાવવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. તેમની સેટેલાઈટ કંપની સ્ટારલિંક ભારતમાં તેની સેવા ખૂબ જ જલ્દી શરૂ કરવા જઈ રહી છે. કંપનીના ટોચના મેનેજમેન્ટ પાસેથી મળેલી લેટેસ્ટ માહિતી અનુસાર સ્ટારલિંક ભારતમાં 10 ગ્રામ્ય લોકસભા વિસ્તારોમાંથી તેની સેવા શરૂ કરશે.
માનવામાં આવે છે કે કંપનીના અધિકારીઓ આ અંગે લોકસભાના સભ્યો, મંત્રીઓ અને મહત્વના અધિકારીઓ સાથે ટૂંક સમયમાં એક વર્ચ્યુઅલ મીટિંગ કરશે. સ્ટારલિંક એલોન મસ્કની સેટેલાઈટ બ્રોડબેન્ડ કંપની છે. અત્યાર સુધીની યોજના અનુસાર આ કંપની ડિસેમ્બર 2022થી ભારતમાં બ્રોડબેન્ડ સેવા શરૂ કરશે. શરૂઆતમાં તે 2 લાખ ટર્મિનલ માટે સરકાર પાસેથી મંજૂરી મેળવવાની પ્રક્રિયામાં છે.
સ્ટારલિંક સેટેલાઈટ આધારિત બ્રોડબેન્ડ સેવા પૂરી પાડે છે. આની મદદથી ડુંગરાળ, ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં ગમે ત્યાં ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાશે. સ્ટારલિંકના ઈન્ડિયા હેડ સંજય ભાર્ગવે કહ્યું કે આ મહિને તેઓ સાંસદો, અધિકારીઓ અને મંત્રીઓ સાથે મહત્વની બેઠકો યોજી શકે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે એમ પણ કહ્યું કે સ્ટારલિંકના બ્રોડબેન્ડ કનેક્શન માટે 5000થી વધુ અરજીઓ આવી છે.
સ્ટારલિંક બ્રોડબેન્ડ સેવા માટે 99 ડોલર અથવા લગભગ 7,350 રૂપિયા પ્રતિ ગ્રાહક ચાર્જ કરી રહી છે. તેના બદલે તે 50-150 મેગાબિટ પ્રતિ સેકન્ડની ઝડપ આપશે. ભાર્ગવે કહ્યું કે ગ્રામીણ સંસદીય ક્ષેત્રમાં જ્યાંથી વધુ માંગ આવશે, ત્યાંથી આ સેવા શરૂ કરવામાં આવશે.
સ્ટારલિંક સીધી એરટેલ, રિલાયન્સ જિયો, વોડાફોન આઈડિયા અને એરટેલ સમર્થિત વનવેબ (OneWeb) સાથે સ્પર્ધા કરશે. તમને જણાવી દઈએ કે ભારતી એરટેલ બેંકિંગ કંપની વનવેબ ભારતમાં મે 2022થી તેની સેવા શરૂ કરવાની યોજના બનાવી રહી છે. તે એક સેટેલાઈટ કોમ્યુનિકેશન કંપની છે.
આ તરફ સરકાર આગામી વર્ષની શરૂઆતમાં 5G સ્પેક્ટ્રમની હરાજી કરવાનું વિચારી રહી છે. આ માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગે ટ્રાઈ પાસેથી સૂચનો પણ માંગ્યા છે. સેટેલાઈટ આધારિત કંપનીઓ જે બ્રોડબેન્ડ સેવાઓ પૂરી પાડે છે, તેઓ નથી ઈચ્છતા કે ટેલિકોમ કંપનીઓ માટે નવું સ્પેક્ટ્રમ જાહેર કરવામાં આવે.
આ પણ વાંચો : Mumbai Cruise Rave Party: પુરાવા મળ્યા બાદ જ 1800 માંથી 8 લોકોની અટકાયત કરવામાં આવી-NCB ચીફ એસએન પ્રધાન