
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની સાથે જુદી-જુદી બેંકોએ દિવાળીની ઓફર્સની જાહેરાત કરી છે. દિવાળીના તહેવાર પર નવા ઘરના રજીસ્ટ્રેશનથી લઈને નવી કારની ખરીદીના મોટા પાયા પર બુકિંગ કરવામાં આવે છે. જે લોકો બેંક લોન દ્વારા ખરીદી કરવાનું વિચારતા હોય તેઓ બેંકની ઓફરની પણ રાહ જુએ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંક દ્વારા કાર લોન અને હોમ લોન માટે ઓફરની જાહેરાત કરી છે. લોકોને વાર્ષિક 8.4 ટકાના વ્યાજ દર પર હોમ લોન આપવામાં આવી રહી છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ફેસ્ટિવ લોન ઓફર 31 ડિસેમ્બર 2023 સુધી ચાલુ રહેશે. બેંક લોકોને તેઓના CIBIL સ્કોર મૂજબ લોનના વ્યાજ પર ડિસ્કાઉન્ટ આપશે. આ ડિસ્કાઉન્ટ વ્યાજ દરમાં 0.65 ટકા સુધીનું હશે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો, જે ગ્રાહકોનો CIBIL સ્કોર 700 થી 749 પોઈન્ટ હશે તેમને ફેસ્ટિવ લોન ઓફરમાં 9.35%ને બદલે 8.7%ના વ્યાજ પર હોમ લોન મળશે.
એવી જ રીતે, CIBIL સ્કોર 750 થી 799 હશે તો 9.15% ના બદલે 8.6% વ્યાજદર પર લોન ઉપલબ્ધ થશે. જો કોઈ રિસેલમાં કે રેડી ટૂ મૂવ ઘરની ખરીદી કરે છે તો તેમને 0.2% સુધી વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.
પંજાબ નેશનલ બેંકે ગ્રાહકોને 8.7%ના વ્યાજ દરે કાર લોન આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત લોકોને પ્રોસેસિંગ ફી અને ડોક્યુમેન્ટ ચાર્જમાંથી સંપૂર્ણ પણે મુક્તિ આપવામાં આવશે. બેંકના હોમ લોનના વ્યાજ દર 8.4% સુધી રહેશે. હોમ લોન પર પ્રોસેસિંગ ફી અને ડોક્યુમેન્ટેશન ચાર્જીસમાં પણ છૂટ આપવામાં આવશે.
આ પણ વાંચો : સબકા સપના મની મની: ડાયનેમિક બોન્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ શું છે? જાણો તેમાં રોકાણ કરવાથી તમને શું ફાયદો થશે
બેંક ઓફ બરોડાની ફેસ્ટિવ ઓફર 31 ડિસેમ્બર 2023 સુધી ચાલુ રહેશે. બેંક દ્વારા આ સ્કીમને ‘ફીલિંગ ઓફ ફેસ્ટિવલ વિથ BOB’ નામ અપાયું છે. બેંક ઓફ બરોડા 8.4% સુધીના વ્યાજ દર પર હોમ લોન આપી રહ્યુ છે. કાર લોન માટે તમારે 8.7% સુધીનું વ્યાજ આપવું પડશે. ઓફરના સમયગાળા દરમિયાન ગ્રાહકોને પ્રોસેસિંગ ફીમાંથી મુક્તિ મળશે.