ગત નાણાકીય વર્ષ 2020-21માં સોનાની આયાત(Gold Import) 22.58 ટકા વધી 34.6 અબજ ડોલર અથવા 2.54 લાખ કરોડ રૂપિયા થઈ છે. સોનાની આયાત વર્તમાન ખાતાની ખાધ (CAD) ને અસર કરે છે. વાણિજ્ય મંત્રાલય (Finance Ministry)ના આંકડા મુજબ વધતી જતી સ્થાનિક માંગને કારણે સોનાની આયાતમાં વધારો થયો છે.
મળતી માહિતી મુજબ નાણાકીય વર્ષ દરમિયાન ચાંદીની આયાત 71 ટકા ઘટીને 791 મિલિયન ડોલર થઈ છે. પાછલા નાણાકીય વર્ષ 2019 – 20 માં સોનાની આયાત 28.23 અબજ ડોલર રહી હતી.સોનાની આયાતમાં વધારો થવા છતાં ગત નાણાકીય વર્ષમાં દેશની વેપાર ખાધ ઘટીને 98.56 અબજ ડોલર થઈ છે. 2019-20માં તે 1 161.3 અબજ ડોલર રહ્યું હતું.
સ્થાનિક માંગમાં વધારાના કારણે સોનાની આયાતમાં વધારો થયો
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) ના અધ્યક્ષ કોલિન શાહે જણાવ્યું હતું કે વધતી જતી સ્થાનિક માંગને કારણે સોનાની આયાત વધી રહી છે. શાહે કહ્યું હતું કે અક્ષય તૃતીયા અને લગ્નની સિઝનને કારણે સોનાની આયાતમાં વધુ વધારો થઈ શકે છે.
ભારત વિશ્વમાં સૌથી વધુ સોનુ આયાત કરનાર દેશ
ભારત સોનાનો વિશ્વમાં સૌથી મોટો આયાત કરનાર દેશ છે. ઝવેરાત ઉદ્યોગની માંગને પહોંચી વળવા માટે મુખ્યત્વે સોનાની આયાત કરવામાં આવે છે. ગત નાણાકીય વર્ષમાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ 27.5 ટકા ઘટીને 26 અબજ ડોલર થઈ છે. ભારત દર વર્ષે જથ્થાના આધારે 800 થી 900 ટન સોનાની આયાત કરે છે. સરકારે બજેટમાં સોના પરની આયાત ડ્યુટી 12.5 ટકાથી ઘટાડીને 10 ટકા કરી દીધી છે.
સોનાના આભૂષણોના નવા નિયમો 1 જૂનથી લાગુ થશે
હવે દેશમાં વેચાયેલા દરેક દાગીનાને હોલમાર્ક કરવાની જરૂર છે. આ નિયમ 1 જૂન 2021 થી સમગ્ર દેશમાં લાગુ થશે. કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2020 માં કહ્યું હતું કે સોનાના ઝવેરાત પર ફરજિયાત હોલમાર્કિંગ 15 જાન્યુઆરી 2021 થી અમલમાં આવશે પરંતુ કોરોના રોગચાળાને કારણે સરકારે વધારીને તેની તારીખ 1 જૂન 2021 કરી છે. સોનાની હોલમાર્કિંગ શુદ્ધતાનો પુરાવો માનવામાં આવે છે અને તે હાલ સ્વૈચ્છિક છે.
Published On - 5:05 pm, Sun, 18 April 21