લગભગ 6 મહિનાના વિરામ પછી, કોરોના વાયરસ (Coronavirus) ફરી એકવાર ભારતમાં પાછો ફર્યો છે. કોરોના વાયરસના નવા વેરીઅન્ટ ઓમિક્રોનના કારણે ભારતમાં સંક્રમિત લોકોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. મંગળવારે, દેશભરમાં કોરોનાના લગભગ બે લાખ નવા કેસ નોંધાયા અને 400 થી વધુ લોકોના મોત થયા. કોવિડ-19ની વર્તમાન ગતિને જોતા દેશના વિવિધ રાજ્યોમાં પરિસ્થિતિના આધારે નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં વર્ષની શરૂઆતથી જ ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે લાદવામાં આવેલા નિયંત્રણોના કારણે લોકોના રોજગાર અને ધંધા પર ફરી એકવાર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે.
ડિસેમ્બર 2021ના છેલ્લા સપ્તાહમાં દિલ્હી સરકારે કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજધાનીમાં યલો એલર્ટ જાહેર કર્યું હતું. યલો એલર્ટ જાહેર થયા બાદ દિલ્હીમાં શાળાઓ, કોલેજો, સિનેમા હોલ, ઓડિટોરિયમ, સ્પા અને જીમ બંધ કરી દેવામાં આવ્યા હતા. કોરોનાને નિયંત્રણમાં લેવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય બાદ જીમ માલિકો અને આ વ્યવસાય સાથે જોડાયેલા અન્ય લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
નામ જાહેર ન કરવાની શરતે, દક્ષિણ દિલ્હીમાં સપ્લીમેન્ટ્સનો વ્યવસાય કરતા એક વ્યક્તિએ કહ્યું કે જીમ બંધ થવાને કારણે તેના વ્યવસાય પર ખરાબ અસર પડી રહી છે. તેમણે કહ્યું કે જીમ બંધ થવાને કારણે બોડી બિલ્ડિંગ કરનારા લોકોએ સપ્લીમેન્ટ્સ ખરીદવાનું બંધ કરી દીધું છે અથવા તો ઘણું ઓછું કરી દીધું છે.
તેમણે કહ્યું કે તેઓ જીમમાં ટ્રેનિંગ આપવાનું કામ પણ કરે છે. પરંતુ, જીમ બંધ થવાને કારણે તેમનું આ કામ પણ બંધ થઈ ગયું છે. આવી સ્થિતિમાં તેઓ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. વ્યક્તિએ કહ્યું કે સરકારે આ તરફ ધ્યાન આપવું જોઈએ. જે રીતે કોરોનાના વધતા જતા કેસ વચ્ચે સરકારે બાકીના બિઝનેસમાં વિકલ્પો આપ્યા છે, તેવી જ રીતે જીમ માટે પણ વિકલ્પો આપવા જોઈએ જેથી તેમનો બિઝનેસ ચાલુ રહે.
આ પણ વાંચો : શું નોટો દ્વારા લોકોમાં ફેલાઈ શકે છે કોવિડ? CAITએ આ મામલે કેન્દ્ર સરકાર પાસેથી માંગી સ્પષ્ટતા