સેન્ટ્રલ બેંકની 600 બ્રાંચ પર તોળાતુ સંકટ, આર્થિક સ્થિતી સુધારવા માટે બંધ થઈ શકે છે આ શાખાઓ

બેંકના નેટવર્કમાં (Central bank of India) 4,594 શાખાઓ છે. સરકારી સૂત્રના જણાવ્યા અનુસાર, બેંક તેની ખોટ કરતી સંપત્તિઓને દૂર કરીને આર્થિક સ્થિતિ સુધારવાની વ્યૂહરચના પર આગળ વધી રહી છે.

સેન્ટ્રલ બેંકની 600 બ્રાંચ પર તોળાતુ સંકટ, આર્થિક સ્થિતી સુધારવા માટે બંધ થઈ શકે છે આ શાખાઓ
Central Bank Of India
| Edited By: | Updated on: May 05, 2022 | 8:58 PM

સેન્ટ્રલ બેંક (central bank) તેની ડામાડોળ આર્થિક પરિસ્થિતિને સુધારવા માટે આવનારા સમયમાં કેટલાક કડક પગલાં લઈ શકે છે. રોઇટર્સના અહેવાલ મુજબ, બેંક તેની શાખાઓની સંખ્યા 13 ટકા ઘટાડવાની યોજના પર કામ કરી રહી છે. બેંક તેની નાણાકીય સ્થિતિ સુધારવા માટે ખર્ચ ઘટાડવાની યોજના પર કામ કરી રહી છે. જેમાં મોટી સંખ્યામાં બેંકોને તેમની શાખાઓ બંધ કરવા અથવા ખોટ કરતી શાખાઓને અન્ય શાખાઓ સાથે મર્જ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ સાથે બેંક નોન-કોર એસેટના વેચાણ પર પણ વિચાર કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી બેંકનું નાણાકીય સ્વાસ્થ્ય દબાણ હેઠળ છે. હાલમાં બેંક RBIની PCA યાદીમાં સામેલ છે.

600 જેટલી શાખાઓ બંધ કરવાનું વિચારી રહી છે

રોઇટર્સના અહેવાલમાં લખ્યું છે કે સૂત્રો પાસેથી મળેલી માહિતી અને આ નિર્ણય સાથે સંબંધિત દસ્તાવેજો જોતાં જાણવા મળ્યું છે કે બેંક લગભગ 600 શાખાઓ બંધ કરવાની અથવા તેને અન્ય શાખાઓ સાથે મર્જ કરવાની યોજના બનાવી રહી છે. બેંક માર્ચ 2023 સુધીમાં શાખાઓની સંખ્યા ઘટાડવાની યોજના ધરાવે છે. આ સાથે એક સરકારી સૂત્રએ માહિતી આપી છે કે બેંક રિયલ એસ્ટેટ સહિત નોન-કોર એસેટ્સ વેચવાની પણ યોજના બનાવી રહી છે.

બેંક તેની નાણાકીય સ્થિતિને મજબૂત બનાવવા માટે સતત આયોજન કરી રહી છે, જોકે આ પ્રથમ વખત છે જ્યારે શાખા બંધ થવાની વાત સામે આવી રહી છે. બેંકના નેટવર્કમાં 4,594 શાખાઓ છે. સરકારી સૂત્રના જણાવ્યા અનુસાર, બેંક તેની ખોટ કરતી સંપત્તિઓને દૂર કરીને આર્થિક સ્થિતિ સુધારવાની વ્યૂહરચના પર આગળ વધી રહી છે. અન્ય બેંકોની સરખામણીમાં બેંકની એનપીએ ઘણી વધારે છે. ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન બેંકની ગ્રોસ એનપીએ 15.16 ટકા હતી.

આરબીઆઈની પીસીએ યાદીમાં સામેલ બેંકો

સેન્ટ્રલ બેંક અને કેટલીક અન્ય બેંકો વર્ષ 2017 થી રિઝર્વ બેંકની PCA (પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન) સૂચિમાં જોડાઈ હતી. બેડ લોન સહિત અન્ય ઘણા કેસોમાં નિયમોનું પાલન ન કરવાને કારણે આ બેંકો પર આ કાર્યવાહી કરવામાં આવી છે. પીસીએ લિસ્ટમાં આવે ત્યારે બેંકોને ઘણા પ્રતિબંધોનો સામનો કરવો પડે છે.

આ સાથે રિઝર્વ બેંક પણ તેમની કામગીરી પર ચાંપતી નજર રાખે છે. બેંક દ્વારા તેની શાખામાં મોકલવામાં આવેલ દસ્તાવેજ જેના આધારે રોઈટર્સે અહેવાલ આપ્યો છે કે, બેંકે લખ્યું છે કે નફા અને કર્મચારીઓના વધુ અસરકારક ઉપયોગ અંગે ખરાબ કામગીરીને કારણે બેંક 2017થી રિઝર્વ બેંકની પીસીએ યાદીમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં, સેન્ટ્રલ બેંક સિવાય, અન્ય તમામ બેંકો આ યાદીમાંથી બહાર આવી ગઈ છે.

Published On - 7:41 pm, Thu, 5 May 22